શા માટે આપણાં ઘરડા લોકો લગ્ન પ્રસંગે પંગત માં જમણવાર કરતાં હતાં, જાણો શુ હતું તેની પાછળનું કારણ………

0
1108

માનવી હવે તો એવો એકલપેટો બની રહ્યો છે કે એને પારિવારિક રહેવાનુંય પરવડતું નથી, પછી સામુહિક આનંદનો એ પ્રતિનિધિ કેવી રીતે બની શકે? વીસમી સદીના પૂર્વાર્ધમાં પંગતમાં જમવાની જે રંગત હતી, આજે એ ક્યાંય દેખાતી નથી. પંગતમાં થતા જમણવારનાં દૃશ્યો હવે ઓછાં નજરે ચઢે છે. અલબત્ત સમાજને સમૂહ આનંદના અવસરોની આવશ્યકતા છે પણ વિભક્ત સમાજ રચનાંનાં આક્રમણોએ તે અવસરો ઝૂંટવી લીધા છે. સમૂહમાં કોઇ પ્રસંગને માણવો એ વૃત્તિ માનવી માત્રમાં પ્રબળપણે હોય છે અને એના આનંદ માટેની ઝંખના એ પણ માનવીની એક અનિવાર્ય પ્રાથમિક જરુરિયાત છે, જેના વગર અને જીવી શકે નહીં. આનંદનું સ્વરુપ જ ભૂમાનું છે – વ્યાપ્તિનું છે, બહોળાપણાનું છે. સ્વમાંથી સર્વમાં વિલીન થવા મળે એટલે આનંદ જ આનંદ!! ધર્મ અને કાવ્ય જેમ સમૂહમાં અનુભવવાની પ્રવૃત્તિઓ છે, ભલે એનો મર્મ વ્યક્તિને પણ ન્યાલ કરતો હોય! અલબત્ત, આરતી, તીર્થસ્થાન,સમૂહપ્રાર્થના, ભજન-કીર્તન, કાવ્યગાન,સભા-સંબોધનો, નૃત્ય, સંગીત, નાટક, ભવાઇ વગેરેમાંથી પ્રજાસમૂહ આનંદો તો મેળવે જ છે,એ આનંદ સુક્ષ્મ પ્રકારનો હોય છે. આજે તો મારે જમણવારમાંથી મળતા સ્થૂળસમૂહ આનંદ વિશે વાત કહેવી છે.

ગુજરાતમાં ખાસ કરીને અંગ્રેજ-આગમન પછી એટલે કે ગાંધી-આગમન પૂર્વેથી ગ્રામીણ સમાજરચનાની પરંપરાઓ સહેજ સહેજ શિથિલ થતી જોવા મળે છે. લગ્ન-સમારંભોના જમણવારો બુફેમાં બદલાઇ ગયા છે,એટલે પરિસ્થિતિતા કેળવાતી નથી. જમણવારોથી રાગદ્વેષ ઓગળી જતા અને સર્વેજનો સંપી જતાં. લાંબી લાંબી પંગતો પડતી, એક પ્રકારનો સમૂહ જમણવારનો વિશિષ્ટ આનંદ!! આજે સમૂહભોજનનો આનંદ ઓછો થતો રહ્યો છે. પરિચિત-અપરિચિત-અલ્પપરિચિત સાથે બેસી જમણ થાય, એમાંથી પરિચય પાંગરે, પીરસનારાઓના આગ્રહમાં એક પ્રકારનો ભાવ દેખાય, જે તેમને પ્રિય વાનગી હોય એ કદાચ બાજુવાળાને ઓછી પ્રિય હોય એમ બને.

સામૂહિક જમણવાર પ્રસંગો હવે તો લગ્ન પૂરતા મર્યાદિત થઇ ગયા છે, અને એ પણ બુફે પાર્ટીમાં પરિવર્તિત થઇ જવાના કારણે પંગત પાડી જમણ કરવા-કરાવવાની કેવળ કલ્પના જ બચી છે. પાંગત માં એ ભાઈ દાળ લઈને આવ તો આ જગ્યા એ,એ હાલો કોણ દાળ માંગતુ હતુ હમણા? અલ્યા જોજે તો પેલી લાઈનમા એકવાર શાકની ફેરી માર દે તો. એ ભાઈ ધીમે-ધીમે જો દાળ છલકાઈ છે. આ બાજુ લાડવા પીરસ્યા કે નઈ, જોઈ લેજો કોઈપણ મહેમાન ભૂખ્યુ ના જવુ જોઈએ. ના તમારે એક લાડવો તો લેવો જ પડશે તમારે. આ..હા… હા… શુ પંગત જામી હોય..! આ વાક્યો તો મોટાભાગે તમને પંગતમા જ સાંભળવા મળે. પંગતની પણ આ ખરી મોજ હતી.

જો કોઈને આ શબ્દ વિશે ખ્યાલ ના હોય તો જણાવી દઉ કે, “પંગત” એટલે એક જ સમૂહમા એક જ લાઈનમા જમવા બેસવુ. પરંતુ, આ જમણવાર શરૂ થાય તે પૂર્વે તૈયારીઓ પણ ગજબની કરવામા આવતી. જમણવાર હોય તેના ૧ દિવસ અગાઉ જ શેરી હોય કે વાડી હોય એવી કોઈ મોટી જગ્યામા વ્યવસ્થા કરવામા આવતી. સીધુ સામાન ત્યા પહોંચાડી દેવામા આવે ત્યારબાદ સાંજથી જ અહી વાડીમા ચહલપહલ વધી જાય છે અને રસોઈ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ જાય છે.

પહેલા તો રસોઈયો એકલો જ એના ઓજારો સાથે આવતો અને બાકીનુ કામ કુટુબીજનો અને શેરીના પડોશીઓ સાથે મળીને કરતા. રાત પડે એટલે ચૂલા સળગે. લાકડા જાડાં કે હવાયા હોય, પહેલા તો આખી વાડી ધૂમાડાના ગોટેગોટાથી ભરાઈ જતી. તો પણ આંખો ચોળતા-ચોળતા લોકો અડગ રહીને કાર્ય કરતા. જુદી-જુદી ટુકડીઓ પાડીને કાર્યની વહેંચણી થઈ જાય. કોઈ સબ્જી સુધારે, કોઈ લસણ ફોલે, કોઈ સૂરણ તો કોઈ મરચા ઠીક કરતુ નજરે પડે.

બાળકો ઉત્સાહમા ને ઉત્સાહમા વાસણો સાફ કરીને ગોઠવતા હોય છે તો એક ખૂણામા વૃધ્ધ ભાભલાઓની સભા જામી હોય. ચા, પાણી અને બીડીઓ પર બીડીઓ ખેંચાતી હોય છે. સાથે-સાથે અગાઉના પ્રસંગોમા ઘટેલી સારી અને ખરાબ ઘટનાઓ વિશે પણ ચર્ચા થતી હોય. સૌથી પહેલા તો મીઠાઈ બનાવવાનુ કાર્ય શરૂ થાય. મીઠાઈમા તો મોટા ભાગે લાડુ જ હોય. લાડુ માટે સૌથી પહેલા તો ઠેઠાને ઓઈલમા તળવા પડે.

ત્યારબાદ તેને ભાંગવાના. આજની જેમ ત્યારે મિક્સર નહોતા એટલે યુરિયા ખાતરની થેલીઓ ધોઈને સાફ કરી રાખી હોય. તેમા ઠેઠા ભરીને એકજણ મોંઢિયું પકડી રાખે. ત્યારબાદ એ થેલીને પથરા પર રાખીને બે જણા સામસામે ધોવાના ધોકા વડે મંડી પડે. ધબ્બ-ધબ્બ ધબાકાથી વાડી આખી ગાજતી હોય. એમાંય ધીબાકા દેનારાને શૂરાતન સમાતુ ના હોય. આવા સમયે જો ભૂલથી પણ બે ધોકા સામસામે સહેજ પણ ટકરાઈ જાય તો લાકડાના ધોકામાંથી પણ તણખા ઝરવા લાગે.

આ સિવાય વાડીએ રાત્રે નાસ્તા માટે ભજીયા બનાવવામા આવે. કડાઈમા તળાતા ભજીયાની સુગંધ ચારેબાજુ ફેલાય એટલે આઘાપાછા થયેલા “કામચોરો” પણ રસોડા પાસે ટોળે વળવા માંડે. જેવો પહેલો ઘાણ ઉતરે એટલે શરૂઆત એ જ લોકો કરે, જે કાર્ય કરનારા પાછળ રહી જાય. એવા માણસો સૌથી પહેલા ચાખે, ખાય અને એક બે ખોડ તો કાઢે જ. આમા તો થોડી મેથી ઓછી પડી, ઓમ તો બધુ બરોબર છે પણ અંદરથી થોડા કાચા રય જાય છે.

રસોઈયો શિખાઉ લાગે છે લોટમા નમક વધારે હતુ. અમુક તો રીતસરના હરીફાઇમા ઉતરે. બે-ત્રણ દિવસનો પૂરવઠો ભેગો કરી લે. પછી ભલેને સવારે ડબલા ઉપર ડબલા ભરવા પડે. હા, જાજરૂની વ્યવસ્થા નહોતી ને એટલે ડબલું જ એક હાથવગું હથિયાર હતું. રાત્રે મોટા ભાગનુ કામ પતી જતુ. ત્યારબાદ સવારે વળી પાછા વાડીએ મેળાવડો એકત્રિત થાય. પીરસવાવાળાની ટુકડીઓ પડે. દાળ, ભાત, શાક, ફુલવડી વગેરે માટે માણસ જોઈને કાર્ય સોંપવા પડે છે.

એમાંય લાડુ માટે તો વિશેષ માણસોની પસંદગી કરવામા આવે. ચર્ચા-વિચારણા કરવામા આવે. લાડુ પીરસનારા પણ નક્કી થઈ જાય. એક ટુકડી રસોડામાંથી બધુ ભરીને આપવા માટે ખડેપગે ઉભી હોય. પંગતમા કઈ વ્યક્તિને શુ જોઈએ છે? શુ ખૂટે છે? એ તપાસવા માટેના પણ સ્પેશ્યાલિસ્ટો નક્કી કરવામા આવ્યા હોય. ટુકડીઓ, વાસણો, પાથરણાં બધું જ રેડી થઈ જાય એટલે પછી અતિથિઓ ને આવકારો આપવાનુ ચાલુ થઈ જાય. જેમ-જેમ અતિથિઓ આવતા જાય તેમ-તેમ એકબીજાને હાથ મિલાવીને રામ-રામ કરતા જાય અને ખબર-અંતર પૂછતા જાય.

પછી જેને જ્યા સરખુ લાગે ત્યા લાઈનમા ગોઠવાતા જાય. આ લાઈનો પૂરી થઈ જાય એટલે બહાર સ્ટોપ કરવાવાળા પણ ઉભા હોય. ત્યારબાદ સાચુ કામકાજ ચાલુ થાય પીરસવાનુ. બે ટુકડીઓ પોતપોતાની વસ્તુઓ લઈને લાઈનમા નીકળી પડે. સૌથી પહેલા લાડુ હોય. ત્યારબાદ શાક, ફુલવડી, દાળ વગેરે હોય. ભાતનો વારો તો સૌથી છેલ્લે આવે. લાડુ પીરસનારો ખૂબ જ હોંશિયાર હોય છે. જમનાર વ્યક્તિનુ મોંઢુ જોઈને જ સમજી જાય કે અહીંયા કેટલા ખપશે અને તે મુજબ ૧ , ૨ કે ૩ લાડુ ભાણામા પીરસતો જાય. પીરસવાની ઝડપ પણ ખૂબ જ ગજબની હોય.

પંગતમા ધ્યાન રાખનારા પાછા સૂચનો આપતા જાય :
એ બે મુક, બે. મુક, તુ તારે.. એ તો ખવાઈ જશે. એ હજુ ફૂલવડી નથી આવી અલ્યા ફૂલવડી વાળો ક્યા ગયો? નાના છોકરા પાણી ઢોળે નહી એનુ ધ્યાન રાખજો. દાળ લઈને બે જણા જલ્દી આ બાજુ આવી જજો. જમણવાર પૂરો થાય એટલે મીઠી વાતોચીતો થતી હોય..એ દ્રશ્ય પણ જોવા જેવું હોય હો. પંગતમાં વહેલાં મોડા જે કોઈ જમી રહે તે રાહ જોઈને બેઠા રહે અને લગભગ બધા એકસાથે જ ઊભા થાય. આ પણ પંગતની એક વિશિષ્ટ લાક્ષણિકતા હતી.

ફાળિયાનો છેડો, પટકો, કે ખેસના છેડે હાથમિત્રો આવી હતી પંગતની વાસ્તવિકતા. જેમાં ભાઈચારો, સહકાર, આત્મિયતા, પ્રેમ, આનંદ, આદર, સત્કાર, જેવી બાબતો વણાયેલી હતી. એકબીજાની સાથે બેસીને હોંશથી જમવાની જે મોજ હતી એનું વર્ણન જ ન થઈ શકે.પંગત એટલે મહેમાનનું સન્માન અને આનંદ જાળવવાની પરંપરા. મહેમાન જમી ના રહે ત્યાં સુધી એને કોઈપણ વસ્તુ માટે ઊભા થવું ન પડે. દરેક વસ્તુ એના ભાણાં સુધી આપણે પહોંચાડવાની ભાવના જોડાયેલી હતી. કુટુંબ અને પડોશીઓનો સંપ કેટલો છે એનો ખ્યાલ પંગતમાં આવી જતો.

દરેક પંગતની આગવી વિશેષતા હતી. એનો અલગ માહોલ હતો. એની અલગ મજા હતી. પંગત એટલે મહેમાનોને હાથેથી જમાડીને પોતે જમ્યા જેટલો આનંદ લેવાનો અવસર હતો. પંગતનું જમણ જમનારને પણ પોતીકું લાગતું.આજના “બુફે” યુગમાં “પંગત” એક ઈતિહાસ બની ગઈ છે. આજે જમણવારમાં જમવાની આઈટમો અનેકગણી વધી ગઈ છે, પરંતુ જમવાનો સંતોષ અને મજા ઘટી ગઈ છે. આવનારા સમયમાં “પંગત” હમેશાં હમેશાં માટે ઈતિહાસના પાનાઓમાં અદ્રશ્ય થઈ જાય તો નવાઈ નહીં.