પત્ની સિવાય અઢળક સ્ત્રીઓ સાથે સબંધ બાંધતા યુવકનો, ભુટ્યો ભાંડો ત્યારબાદ જે થયું તે જાણી ચોંકી જશો……

0
592

આપણા દેશમાં લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવે છે.જેમાં દરેક પતિ પત્ની સાત જન્મ સુધી એક બીજાના થઈ જાય છે. પત્ની એક બળદ ગાડી જેવું જીવન હોય છે જો બળદ ગાડીના બે પૈડાંમાંથી એક પૈડું નીકળી જાય તો તે ગાડી કઈ કામ વગરની થઈ જાય છે.આજ રીતે જો પતિ પત્ની માંથી એક પણ પોતાના લગ્ન જીવનથી દૂર જાય તો પોતાનો સંસાર હલી જાય છે.

પરંતુ આજના સમયમાં પતિ પત્ની કંઈક અલગ જ દેખાય છે પતિના વિચારો પત્ની કરતા અને પત્નીના વિચારો પતિ કરતા કંઈક અલગ જ હોય છે.લગ્ન જીવન વિશે આવી ઘણી વાતો જે લોકોને આશ્ચર્યચકિત કરી નાખે છે.આજના સમયમાં કોઈ પર વિશ્વાસ કરી શકાતો નથી, ક્યારે શું કરે તે કોઈ કહી શકતું નથી. આવી સ્થિતિમાં, આજે અમે તમને આવા જ કેટલાક સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારા હોશ ઉડી જશે.

મિત્રો તમને જણાવી દઈએ કે રાહુલ અને માનસી કલબની વિશાળ લોનના એકાંત અને સહેજ અંધારિયા ખૂણામાં ઊભાં ઊભાં વાતો કરતાં હતાં. વિવેક કલબ-હાઉસની અગાશીમાં એકલો ઊભો રહી પોતાની પત્નીને આ રીતે પોતાના મિત્ર સાથે વાતો કરતી જોઈ રહ્યો હતો. માનસી અને રાહુલ વાતો કરતાં ઊભાં હતાં ત્યાંથી વિવેકને જોઈ શકતાં નહોતા.લોનમાં ગોઠવેલા ટેબલ ખુરશી પર બેઠેલા બીજા લોકોથી દૂર એકાંત અને અંધારામાં તે બન્નેને હળીમળીને વાતો કરતાં જોઈ વિવેક ક્રોધ અને અપમાન અનુભવવા લાગ્યો.

આજે એ પોતાની નજરે એવું કંઈ જોવા ઇચ્છતો હતો, જેનાથી બન્ને વચ્ચેના અનૈતિક સંબંધો વિશેની એની શંકા વિશ્વાસમાં બદલાઈ જાય.રાહુલ આજથી લગભગ છ-સાત મહિના અગાઉ મુંબઈથી બદલી થતાં અહીં આવ્યો હતો. વિવેક કરતાં એનો હોદ્દો સહેજ સિનિયર હતો. વિવેકે જ એને પોતાની કોલોનીમાં ભાડેથી મકાન મેળવી આપવામાં મદદ કરી હતી.

રાહુલની પત્ની નેહા બીમાર હોવાથી પિયરમાં રેહતી અને તેમને કોઈ સંતાન નહોતું.સમવયસ્ક અને મુક્ત વિચારસરણી ધરાવતા પોતાના સહકાર્યકર સાથે વિવેકની મૈત્રી ધીમે ધીમે વધતી ગઈ.બન્ને લગભગ રોજ સાથે જ ખાતાપીતા અને હરતાંફરતાં.મનમોજી રાહુલ પૈસા ખર્ચવામાં ખૂબ ઉદાર હતો.વિવેકને એની મૈત્રી ગમવા લાગી.રાહુલને ક્યારેય પોતાની પત્ની બીમાર હોવાનું કે પોતે નિ:સંતાન હોવાનું દુ:ખ સાલતું નહીં. એક દિવસ એણે કહ્યું,વિવેક, મારા પર તો કુદરતના ખાસ આશીર્વાદ છે. પરિણીત હોવા છતાં હું અપરિણીત યુવકની માફક આઝાદ છું.

પથારીવશ બીમાર પત્નીની રોકટોક કે બાળકોની કોઈ ઝંઝટ નથી. તારા જેવા મિત્રોના લીધે અત્યાર સુધી આનંદથી જીવ્યો છું. અને જીવીશ.” આમ કહી એ ખડખડાટ હસી પડયો. વિવેક પણ એને મનગમતી વાત હોવાથી હસવા લાગ્યો.માનસી સાથે લગ્ન થયા પછી થોડા જ સમયમાં વિવેકને લાગતું હતું કે પોતે જાણે કોઈ વિચિત્ર બંધનમાં બંધાઈ ગયો હોય. એમાંય ચાર વર્ષ પહેલાં તેના પુત્ર હર્ષના જન્મ પછી તો એની અકળામણમાં વધારો જ થયો હતો. રાહુલને આ રીતે મુક્ત જીવન જીવતો જોઈ એ મનોમન વધારે વ્યાકુળ રહેવા લાગ્યો.

રાહુલ ઘણી વાર એને અનેક સ્ત્રીઓ સાથેના પોતાના પ્રણયસંબંધોના કિસ્સા સંભળાવતો. આવી મોજીલી વાતો દ્વારા બન્ને એકબીજાની મજાક-મશ્કરી કરતા. જોકે વિવેકના મનમાં પોતે કોઈ સુખદ અનુભવ કે મનગમતી વસ્તુથી વંચિત રહી ગયો હોય તેવી એક ચસક અવશ્ય ઊઠતી. આમ તો લગ્ન પછી પણ અનેક સ્ત્રીઓ સાથે એનાં લફરાં ચાલતાં જ હતાં, પરંતુ રાહુલની સાથે સરખાવતાં એમની કોઈ વિસાત નહોતી.હજી એક મહિના અગાઉ વિવેકના મનમાં એવો ખ્યાલ સુધ્ધાં નહોતો આવ્યો કે, રાહુલ માનસી માટે પણ બદદાનત ધરાવે છે.

ધીરે ધીરે તેને એવી શંકા જાગી કે રાહુલ તેની પત્ની પર નજર બગાડી રહ્યો છે.શરૂઆતમાં તો રાહુલ પોતાના ઘરે આવે-જાય,તે પણ માનસીને ગમતું નહીં, ત્યારે વિવેક જ રાહુલ સાથે મૈત્રી રાખવા ઇચ્છતો હોવાથી માનસીને ફોસલાવી-પટાવીને શાંત રાખતો. ત્યાર પછી રાહુલની વાતચીત કરવાની રોચક શૈલી, માનસીના કુશળ ગૃહસંચાલનની પ્રશંસા અને હર્ષ સાથેના તેના પ્રેમાળ વર્તનથી વધતી જતી બન્નેની મૈત્રીએ માનસીનું મન જીતી લીધું હતું.

રાહુલની આ કલાનિપુણતાથી વિવેક પણ ત્યારે મનોમન ખુશ થયો હતો. પરંતુ છેલ્લા એક મહિનાથી એને રાહુલ માનસી સાથે હળેમળે કે વાતચીત કરે તે જરાય ગમતું નહોતું. પોતાની ગેરહાજરીમાં રાહુલ હર્ષને રમાડવા કે બહાર લઈ જવા પોતાને ઘરે આવે તે પણ વિવેકને નાપસંદ હતું. રાહુલની બદદાનતનો ખ્યાલ આવતાં પળવારમાં જ તેની દ્રષ્ટિમાં રાહુલ મિત્રને બદલે શત્રુ બની ગયો હતો.વિવેક એનાથી દૂર રહેવા લાગ્યો.

આમ છતાં રાહુલ તો તેના શુષ્ક વર્તન પ્રત્યે આંખ આડા કાન કરી એના ઘરે આવતો રહ્યો. વિવેક સમક્ષ સભ્યતાનો ડોળ કરતા રાહુલે માનસીને પોતાની પ્રેમજાળમાં ફસાવવાના પ્રયત્ન ચાલુ રાખ્યા. વિવેકને ન ગમતું હોવા છતાં માનસીના એની સાથેના ઘનિષ્ઠ સંબંધોને કારણે રાહુલ એને ત્યાં અવાંછનીય વ્યક્તિ બનીને આવતો. માનસી પણ રાહુલની સારી સરભરા કરતી. વિવેકને આ વાત આંખમાં કણાની જેમ ખૂંચતી. તેના દિલમાં અંજપાનો દરિયો ઘૂઘવતો હતો.

શું માનસી પણ અવળે માર્ગે દોરાઈ ગઈ છે? આ પ્રશ્નથી ઉદ્ભવેલ ઇર્ષા ભાવથી વિવેક શાંતિથી ઊંઘી પણ શકતો નહીં. રાહુલના વર્તનનો ઉદ્દેશ પોતાના અનુભવના આધારે જાણી શકતો. તેથી એને રાહુલની બદદાનતનો ખ્યાલ આવી જ ગયો હતો. માનસી રાહુલ સાથે છૂટથી હસીને વાતો કરતી, તેથી એના મનમાં શંકા ઉદ્દભવતી હતી, પરંતુ તે માટેનો કોઈ પ્રત્યક્ષ પુરાવો એની પાસે નહોતો.ઘણીવાર રાતે ઊંઘ ન આવે ત્યારે એ તટસ્થ ભાવે પોતાના દાંપત્યજીવનનું વિશ્લેષણ કરતો. ત્યારે એને ખ્યાલ આવ્યો કે પોતે માનસી પ્રત્યે કેટલી બેદરકારીથી વર્તન કરતો હતો. એને પોતાના મિત્રો સાથે રહેવાનું ને મોજ માણવાનું વધારે ગમતું.

ઘરની તમામ જવાબદારી માનસી પર જ હતી.વિવેકના બીજી ત્રણ-ચાર સ્ત્રીઓ સાથે અનૈતિક સંબંધ હોવાની માનસીને જાણ હતી. ઘણીવાર બીજી સ્ત્રીઓની સરખામણીમાં માનસીને અપમાનિત કરતી વાતો પણ એ કહી નાખતો. જોકે સમય વીતવાની સાથે આ સંબંધો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હોવા છતાં બન્ને વચ્ચે એક પ્રકારની કટુતા રહી જ ગઈ હતી. પતિના પ્રેમથી વંચિત, એની બેદરકારીને બેવફાઈથી દુ:ખી સ્ત્રી જ ઘણીવાર પરપુરુષ પ્રત્યે આકર્ષાય છે, તે વાત વિવેક પોતાના જ અનુભવ પરથી સારી રીતે જાણતો હતો.

છેલ્લા થોડા દિવસોથી વિવેકે માનસી સાથે વધુ નિકટતા કેળવવાનો અને તેમની એકધારી અરસિક જિંદગીમાં કંઈક સુખદ પરિવર્તન લાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. રાહુલની પ્રેમજાળમાં માનસીને ફસાતી બચાવવા માટે એણે પોતાનામાં પરિવર્તન પણ આણ્યું હતું. હવે એ માનસી સાથે ગપ્પાં મારતો અને સુખદુ:ખની વાતો કરતો, તેને ફરવા લઈ જઈને એની મનગમતી વસ્તુઓ અપાવતો. આમ છતાં એની તથા રાહુલની વચ્ચે અનૈતિક સંબંધ હોવા અંગે વિવેકના મનમાં ઉદ્દભવેલ શંકા હજી યથાવત્ જ હતી. રાહુલની કેટલીક હરકતો એ પ્રકારની હતી જે શંકાના વમળને વધુ ઘુમરાવે.

ઘણી વાર ઇચ્છા હોવા છતાં એ માનસીને રાહુલ સાથેના સંબંધ વિચ્છેદ વિશે હુકમ કરી શકતો નહીં. એ પોતાને દરેક રીતે માનસી કરતાં શ્રેષ્ઠ માનતો. પોતાનાથી દુ:ખી થઈને એ પરપુરુષ તરફ આકર્ષાય, એવા વિચાર માત્રથી એનો અહં ઘવાતો. જો એ જબરદસ્તીપૂર્વક માનસીને રાહુલને મળતી અટકાવે. તો એણે સ્વીકારવું પડે કે માનસી પણ રાહુલ પ્રત્યે આકર્ષાઈ છે, પરંતુ કોઈ પ્રકારના પુરાવા વિના આવું વર્તન કરવાથી પોતે માનસીની દ્રષ્ટિમાંથી ઉતરી જાય.

વિવેક જાણતો હતો કે દાંપત્ય જીવનમાં કસોટીની આવી કપરી ઘડી ઘણા યુગલોએ ભોગવવી પડે છે. આવા સમયે સંયમ અને સાવધાનીથી કામ લેવું જોઈએ.વિવેક જ્યારે અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ બાંધતો, ત્યારે તેમના પતિઓને બિચારા અને બેવકૂફ માનતો. એ સ્ત્રીઓ સાથે પ્રેમાલાપ દરમિયાન તેમની પ્રશંસા કરતાં તે થાકતો નહીં. આજે એને પોતાને જ બિચારા અને ‘બેવકૂફ’ પતિ તરીકે ગણાઈ જવાનો ભય અત્યંત અપમાનજનક લાગતો હતો. એ મનોમન માનસીને ગાળો દઈ ક્રોધનો ઘૂંટડો ગળી જતો હતો.

અચાનક એણે જોયું કે, રાહુલે પોતાની આત્મીયતા વ્યક્ત કરતાં એક હાથ માનસીના ખભા પર મૂક્યો હતો ત્યારે એના મનમાં ઘૃણા જાગી. રાહુલ ક્યાંય સુધી માનસીને પ્રભાવશાળી ઢબે કંઈક કહેતો રહ્યો. માનસીએ પણ એનો હાથ ખસેડવાની કોઈ ચેષ્ટા કરી ન હતી. આ જોઈ વિવેકના ક્રોધનો પારો ઊંચો ચડતો જતો હતો.માનસી અંદર આવવા માટે પાછળ ફરી કે રાહુલે એકદમ એનો હાથ પોતાના બન્ને હાથથી પકડી લીધો. હવે વિવેકની ધીરજનો અંત આવી ગયો. એ ક્રોધિત થઈ નીચે ઉતરવા જતો હતો ત્યાં જ અચાનક ઊભો રહી ગયો.

એણે જોયું કે માનસીએ રાહુલના ગાલ પર જોરદાર થપ્પડ મારી દીધી હતી. પછી એ ઝડપથી ચાલતી હોલમાં પહોંચી.આ દ્રશ્ય અગાશીમાં ઊભેલા વિવેક ઉપરાંત લોનમાં બેઠેલા બીજા ચાર-પાંચ લોકોએ પણ જોયું હતું. રાહુલ પણ નીચું જોઈ ચૂપચાપ અંદર આવ્યો હતો. વિવેકે નીચે આવીને જોયું તો એ માનસી સાથે કંઈ વાત કરવાની કોશિશ કરતો હતો. માનસીના ચહેરા પર નારાજીના ભાવ સ્પષ્ટ વરતાતા હતા. લગભગ પાંચ મિનિટ વાતચીત કર્યા બાદ રાહુલ ત્યાંથી જતો રહ્યો.

માનસી હવે થોડી શાંત અને સહજ લાગતી હતી.ઘેર આવ્યા બાદ વિવેક કે માનસી બન્નેમાંથી કોઈએ આ ઘટના વિશે વાત ન ઉખેડી. માનસી કપડાં બદલી સાવ ગુમસુમ થઈ આંખો બંધ કરી પથારીમાં સૂઈ ગઈ. જો માનસીએ પોતે જ આ વાત એને કહી દીધી હોત, તો વિવેક એને નિર્દોષ માની લેત. વિવેક માનસી કંઈ કહે તેની રાહ જોતો રહ્યો પરંતુ એ કંઈ બોલી નહીં.વિવેક આ ઘટનાને બે પ્રેમીઓ વચ્ચેનો અણબનાવ સમજી વધારે ગુસ્સે થયો. પછી પાછળથી બન્ને વચ્ચે સુલેહ થઈ ગઈ હોય એમ લાગતું હતું.

છેવટે આ પ્રેમપ્રકરણનો કાયમ માટે અંત આણવા ને માનસીના મોંએથી સાચી વાત કઢાવવા માટે એણે માનસી સાથે આક્રમક ઢબે વાતચીત કરવાનું નક્કી કર્યું.એણે ગંભીર સ્વરે મોટેથી કહ્યું, માનસી, બેઠી થા, મારે તારી સાથે થોડી વાતચીત કરવી છે.શી વાત છે?માનસીએ એની સામે જોઈ ધીમેથી પૂછ્યું, વિવેકના ચહેરા પર વધારે ગંભીરતા અને રોષના ભાવ જોઈ એ પથારીમાં બેઠી થઈ ગઈ.તું આટલી ઉદાસ, પરેશાન અને ગભરાયેલી કેમ લાગે છે?કંઈ નહીં. મારું માથું દુઃખે છે એ પણ થોડી વાર ચૂપ રહીને બોલી.

વિવેક એકાએક ઉત્તેજિત સ્વરે બોલ્યો, માનસી, તું માને છે એટલો હું નાદાન અને અંધ નથી. આજે કલબમાં જે કંઈ બન્યું, તે મેં સગી આંખે જોયું છે, છેલ્લાં કેટલાંય અઠવાડિયાંથી હું ઘણું બધું જોવા છતાં ચૂપચાપ સહન કરતો આવ્યો છું. પરંતુ આજે જે કંઈ બન્યું તે વિશે હું તારા મોંએથી સાંભળળા ઇચ્છું છું.શું જોયું છે તમે, અને શું જોતા આવ્યા છો બોલો મને પણ ખબર પડે.માનસીના સ્વરમાં સ્પષ્ટ નારાજી હતી.તો તું પણ સાંભળી લે. રાહુલ સાથે તું આમ મર્યાદા ઉલ્લંઘીને હળેમળે છે. તે હું જાણું છું.

તમે કેવી વાત કરો છો આ રીતે કોઈ પ્રકારના પુરાવા વિના તમે મારા પર આરોપ માનસીને અધવચ્ચે જ બોલતી અટકાવી વિવેક ગુસ્સે થઈ બરાડયો, બસ, મૂંગી મર. મારે કંઈ સાંભળવું નથી. તારા ના કહેવાથી વાસ્તવિકતા બદલાઈ જવાની નથી. હું એ બદમાશને બરાબર ઓળખું છું. તું આ રીતે મારી સાથે વિશ્વાસઘાત કરીને ઘરની આબરૂના ધજાગરા ઉડાડીશ, એવી મને ખબર નહોતી. આજે તારે આની સજા જરૂર ભોગવવી પડશે.

સજા? પણ મેં એવું શું કર્યું છે, વિવેક? તમે કયા પુરાવાના આધારે મારા ચારિત્ર્ય પર આવું આળ મુકો છો?ક્રોધ અને અપમાનને લીધે એનો સ્વર ધુ્રજતો હતો.મને એ વાતનો જવાબ આપ કે આજે કલબની લોનમાં બધાંની હાજરીમાં તારા ખભા પર હાથ મૂકવાની રાહુલે હિંમત કેમ કરી? કોણ જાણે મારી ગેરહાજરીમાં ઘરમાં શું થતું હશે! હવે કહે કે આ તમામ આરોપ નિરાધાર છે.માનસી થોડી વાર મૌૈન રહ્યા પછી બોલી. ઓહ, એમ વાત છે? તમે ત્યાર પછીની ઘટનાની વાત ન કરી. મેં રાહુલને મારેલી થપ્પડ મારો પ્રેમ પ્રદર્શિત કરતી હતી?એ થપ્પડ માર્યા પછી એ તને મનાવતો હતો તે પણ મેં જોયું હતું.

બોલ, તારા પ્રેમી સાથે કઈ બાબત અંગે અણબનાવ થયો હતો? તારા સિવાય બીજી સ્ત્રીઓ સાથે ચાલતાં એનાં લફરાંની તને ખબર પડી ગઈ હતી?વિવેકનો ચહેરો વિકૃત લાગતો હતો.આશ્ચર્યચકિત બની માનસી ચૂપચાપ થોડી વાર સુધી, વિવેકની સામે તાકી રહી. પછી એ બોલી, વિવેક તમે પૂછ્યું છે એટલે હું નિર્દોષ હોવા છતાં સ્પષ્ટતા જરૂર કરીશ, પહેલાં તમે કહો કે તમે જ્યારે પારકી સ્ત્રીઓ પાછળ ફરતા ત્યારે હું ઝઘડો કરતી, રડતી, પણ તમને ક્યારેય સ્પષ્ટતા કરવાની જરૂર લાગી હતી ખરી

વાત બદલી નાખવાની કોશિશ ન કર, માનસી.તમે સાચી વાત જાણવા માંગો છો ને ? તો સાંભળો, રાહુલ આજે મારી સમક્ષ એના પોતાના હલકા ચારિત્ર્યનું જ નહીં, પણ તમારી અનૈતિક વર્તણૂકનું પણ વર્ણન કરી રહ્યો હતો.એટલે તું કહેવા શું માગે છે?આજે એણે મને તમારી સ્ટેનો મોના વિશે જણાવ્યું. જેની સાથે તમે એના ઘરે અનેક વાર મોજ માણી છે. તમારા સહકાર્યકર મુકેશની પત્ની પ્રીતિ સાથે તમે રચેલા પ્રેમના નાટક વિશે પણ તેણે મને જણાવ્યું. એટલું જ નહીં, એની પરિચિત યુવતીઓ સાથે ઓળખાણ કરાવવા તમે એની કેટલી ખુશામત કરતા હતા. તે વિશે પણ તે કહેતો હતો.

પોતાના અંગત જીવનની ખરી બાબતોનું વર્ણન માનસી પાસેથી સાંભળીને વિવેકનો ચહેરો ધોળી પૂણી જેવો થઈ ગયો. આમ છતાં ઉપરછલ્લી રીતે મક્કમતા દર્શાવતાં એણે કહ્યું, ”એ એક નંબરનો બદમાશ અને જૂઠુ બોલનાર છે. તને ફોસલાવવા માટે એણે કપોળકલ્પિત વાતો કહી છે. તારા પતિ વિરુદ્ધ તારા મનમાં ઝેર ભરવા માટે જ એણે તારા ખભા પર હાથ મૂક્યો હતો ને તારો હાથ પકડયો હતો?

તમારાં પરાક્રમોનું વર્ણન કરતી વખતે એણે મારા ખભા પર એનો હાથ મૂક્યો હતો. મને તો ત્યારે એ વાતનો ખ્યાલ પણ નહોતો. હું તો સ્તબ્ધ બની તમારા વિશ્વાસઘાતને સમજવાની કોશિશ કરતી હતી.ત્યારે તેં એ ન વિચાર્યું કે એ બદમાશ તને આ બધું શા માટે કહી રહ્યો છે? મને પાછળથી ખ્યાલ આવ્યો કે એ મારા મનમાં તમારા પ્રત્યે ઘૃણા ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. એ મને સમજાવતો હતો કે, તમારા જેવા બેવફા માણસ સાથે વફાદારીપૂર્વક રહેવું જરૂરી નથી. વિવેક તમારા લીધે સ્ત્રીઓ સમક્ષ તો હું ઘણી વાર અપમાનિત થઈ છું.

આટલું કહેતાં માનસીની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસવા લાગ્યો. વિવેકને એનાં આંસુઓમાં ક્યાંય બનાવટ હોય તેમ લાગતું નહોતું.એ ચૂપચાપ સાંભળતો રહ્યો. માનસીએ રૂંધાયેલા સ્વરે આગળ કહ્યું, મને એ ખ્યાલ આવતો હતો કે રાહુલ જે કંઈ કહેતો હતો, તે ખોટું નહોતું. તમારી પત્ની હોવાથી મેં મારી ફરજ બજાવતાં એને તમારી વિરુદ્ધ વિશેષ કંઈ ન કહેવાનું કહ્યું, જ્યારે એ ન માન્યો અને હું એની પાસેથી ખસવા ગઈ, ત્યારે એ બદમાશે પોતાનો વાસનાસભર પ્રેમ મારી સમક્ષ પ્રકટ કરતાં. મારો હાથ પકડી લીધો.

માનસી ફરી રડવા લાગી. એની વાત સાંભળી જડ બની ગયેલા વિવેકનું શું કરવું તે સમજાતું નહોતું. એણે કહ્યું, માનસી, એણે મને તારી દ્રષ્ટિમાં નીચો દેખાડવાનો પ્રયત્ન કર્યો. મારા અપમાનની તેં એને યોગ્ય સજા આપી છે. હવે વધારે ન રડીશ, નહીં તો તારું માથું દુખશે.પોતાનાં આંસુ લૂછતાં માનસીએ પહેલાં કરતાં સહેજ શાંત સ્વરે કહ્યું, સજાને લાયક તો એ હતો જ, પરંતુ મેં એના કોઈ ગેરવર્તન બદલ આ સજા નથી કરી.

એ મારા પતિને ચારિત્ર્યહીન સાબિત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. મારી સમક્ષ પ્રણયનિવેદન કરીને એણે તેના પોતાના હલકા ચારિત્ર્યનો પુરાવો તો જાતે જ આપી દીધો હતો. એ મારી સાથે અનૈતિક સંબંધ બાંધવા ઇચ્છતો હતો. એ આપણા ઘરે આવે ત્યારે હું તેમની મહેમાનગતિ એટલા માટે કરતી હતી કેેમ કે એ તમારા તમારી ઓફિસમાં તમારાથી સિનિયર છે. સારો વર્તાવ કર્યો હોય તો તમારું માન પણ સચવાય.

વિવેક, આ માગણી પાછળ એની એવી ધારણા હતી કે, તમારા બન્નેની માફક હું પણ બદચલન છું. અને એણે ફેંકેલી જાળમાં ફસાઈ જઈશ. પરંતુ રાહુલે રોંગ નંબર લગાવ્યો હતો. માનસી પાસે તેના મલિન ઇરાદા સફળ થવાના નહોતા. એ નિમ્ન કક્ષાના માણસે મારા તરફથી કોઈ પ્રકારનો સહયોગ ન મળવા છતાં આ પ્રકારની કોઈ ઇચ્છા પ્રકટ ન થવા છતાં માની લીધું કે હું એક ચારિત્ર્યહીન સ્ત્રી છું. એની આવી વિકૃત માનસિકતા, કલુષિત વિચાર અને ગંદી ધારણા માટે જે સજા મળવી જોઈએ તે તો મેં એને કરી જ છે.

આટલું કહ્યાં બાદ રડતી-રડતી માનસી બાથરૂમમાં મોં ધોવા ચાલી ગઈ. વિવેકને થયું કે માનસી પર શંકા કરીને આજે એ પોતે એની તથા પોતાની દ્રષ્ટિમાંથી ઉતરી ગયો હતો. એને પોતાને પોતાના કલંકિત ભૂતકાળ પ્રત્યે ઘૃણા જાગી હતી. એ ક્યાંય સધી વિચારતો રહ્યો, ‘માનસીની માફી માંગીને શું તે માનસીએ તેના પર તથા તેના જેવા બીજા દગાખોર પરિણીત પુરુષો પર મૂકેલા આક્ષેપોમાંથી મુક્ત થઈ શકશે ખરો?