મોરબીનો ઝૂલતો બ્રિજ ગઈકાલે અચાનક ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં 140થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ ઘટનામાં મોટી સંખ્યામાં બાળકો અને મહિલાઓના મોત થયા છે.
બચાવ કાર્ય તાત્કાલિક શરૂ કરી દેવામાં આવ્યું છે અને મૃત્યુઆંક વધવાની આશંકા છે. રાજકીય પક્ષોના મોટા નેતાઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા, અકસ્માતના વિવિધ પ્રકારના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
આ સાથે સ્વિંગ બ્રિજની ટિકિટની તસવીરો પણ વાયરલ થઈ રહી છે. આ ટિકિટોમાં લખ્યું છે કે પુખ્ત વયના લોકો માટે ટિકિટ 17 રૂપિયા છે અને 12 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો માટે 12 રૂપિયા રખાઈ હતી.
ઝૂલતા પુલની ટિકિટોના વાયરલ થઈ રહેલા ફોટામા સામાન્ય સૂચનાઓ લખેલી છે જેમાં પ્રથમ સૂચના લોકો દ્વારા જો પુલને નુકસાન થાય તો કાયદેસરની કાર્યવાહી થવાની સૂચના છે.મોરબીનો આ ઝૂલતો પુલની સમારકામની કામગીરી બાદ દિવાળીની રજાઓમાં ખુલ્લો મુકાયો હતો.
આ દરમિયાન પુલની ક્ષમતા કરતાં પણ મોટા પ્રમાણમાં લોકોએ ઝૂલતા પુલની મુલાકાત લીધી હતી અને આ કારણે જ પુલ તૂટ્યો હોવાના સમાચાર છે.
મળતી માહિતી પ્રમાણે, મોરબી હેંગિંગ બ્રિજ પર જવા માટે 675 ટિકિટો વહેચાઈ હતી. ક્ષમતા કરતા ચાર ગણી વધુ ટિકિટ વહેચવામાં આવી હતી. આ બ્રિજ પર 150 લોકોની ક્ષમતા છે જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે તેની પર 400 લોકો હોજર હતા.
જોકે, આ ગોઝારા અકસ્માત બાદ પણ અજંતા ઓરેવાના માલિક જયસુખ ઓધવજીભાઈ પટેલનું કોઇપણ નિવેદન સામે આવ્યું નથી. હજુ સુધી કોન્ટ્રાક્ટ રાખેલ ઓરેવા કંપનીનાં કોઈ વ્યક્તિ દ્વારા મૃતકોને સાંત્વના પણ પાઠવી નથી. ત્યારે બીજી બાજુ કંપની સામે આ અંગેની ફરિયાદ નોંધાઇ છે.
મહિલા, બાળકો સહિત લોકો પુલ પરથી મચ્છુ નદીમાં અને કિનારે પથ્થરો પર પટકાયા હતા. આ દુર્ઘટના બાદ લોકો પોતાનો જીન બચાવવા માટે બ્રિજના તાર પર લટકેલા દેખાયા હતા.
આખી રાત નદીમાં બચાવ કાર્ય ચાલુ રહ્યુ હતુ. આખી રાત નદીમાંથી એક બાદ એક લોકોની લાશ બહાર આવી રહી હતી. જેના કારણે અત્યંત કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.
ઘટના સ્થળે અને હોસ્પિટલમાં લોકોના હૈયાફાળ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયુ હતુ.મોરબીના પુલની દેખરેખ ઓરેવા ટ્રસ્ટના મેનેજિંગ ડિરેકટર જયસુખ પટેલ સંભાળી રહ્યા હતા. આ દુર્ઘટના બાદ તેઓ જાણે અદ્રશ્ય થઈ ગયા હોય તેમ સંપર્કવિહોણા બન્યા છે.