પત્નીને રાતે ઘરે મોકલી દીધી અને નર્સને દવાખાનાના બેડ પર જ, એ એવી લાગતી કે મેં એનો ફાયદો ઉઠાવ્યો

0
8072

આજે સવારના પહેલી વખત એવું બન્યું કે કામિનીને પથારીમાંથી ઉઠવાનું મન નહોતું થતું. તેણે બે-ત્રણ વખત ઉઠવાનો પ્રયાસ કર્યો પણ સુસ્તીને કારણે તેની આંખ ફરી મીંચાઈ જતી હતી. છેવટે તેણે પરાણે નેણ ઉઘાડીને ઘડિયાળ સામે જોયું. સાડા સાત થવા આવ્યા હતા.

તેના હૃદયના ધબકારા વધી ગયા. હમણાં કીર્તિ મોર્નિંગ વૉક કરીને પાછા ફરશે અને તેમની કોફી તૈયાર નહીં હોય તો ઘર માથે લેશે. ૨૩ વર્ષના વહાણાં વાઈ ગયા, પણ કામિની સમયસર કોફી બનાવવાનો ક્રમ ક્યારેય નથી ચૂકી. પતિના કડક સ્વભાવને કારણે ડગલે ને પગલે ફફડાટમાં જીવી છે.

પોતાની જાતને ઘસડતી હોય તેમ કામિની રસોડામાં પહોંચી. આટલાં વર્ષની આદત પછી તેને કોફી બનાવવા પ્રયત્ન કરવાની જરૂર નહોતી. યંત્રવત્ કોફી બનાવીને મગમાં રેડી. ટ્રેમાં કોફીનો કપ મૂકીને તે બેઠકખંડમાં આવી ત્યાં જ કીર્તિભાઈએ મોર્નિંગ વૉકમાંથી આવીને સોફા પર બેઠક લીધી. કામિનીએ સેંટર ટેબલ પર કોફીની ટ્રે મૂકી અને ફસડાઈ પડતી હોય એ રીતે સામેના સોેફા પર બેસી પડી.

તેણે ભારે આંખે પતિ સામે જોયું. કીર્તિભાઈએ પણ કામિનીને આ રીતે સોફા પર બેસતા જોઈ ત્યારે ઘડીક આશ્ચર્ય પામ્યા. પણ મોઢાં ચહેરા પર કોઈપણ ભાવ ઉપસવા ન દીધો. કામિની સામેથી નજર ખસેડીને કોફી પીવા સાથે છાપું વાંચવા લાગ્યા.

કામિનીની આંખો ભીની થઈ ગઈ. તે મનમાં વિચારી રહી, ‘જો તેમણે મને ધ્યાનથી જોઈ હોત તો તેમને ખબર પડત કે આજે મારી તબિયત સારી નથી’ પછી પોતાની જાતને જ મનાવતી હોય તેમ મનોમન બોલી ઉઠી, ‘કામિની, તુું કોની પાસેથી આવી અપેક્ષા રાખે છે. જેને તારા અસ્તિત્ત્વ સાથે જ ઝાઝી લેવાદેવા નથી તે તારી સામે સરખી રીતે જુએ એમ વિચારવું એ તારી મૂર્ખતા છે.’

કામિની ચૂપચાપ સોફા પરથી ઊભી થઈ અને ધીમી ચાલે બેડરૂમમાં ચાલી ગઈ. કીર્તિભાઈએ છાપાને થોેડું દૂર કર્યું અને કામિનીને ધીરે ધીરે સુવાના ઓરડા તરફ જતી જોઈ રહ્યાં પછી જાણે કાંઈ બન્યું જ ન હોય તેમ દેશ-દુનિયાની ખબરો વાંચવા લાગ્યા.

ઓશિકા પર માથું મૂકીને કામિનીએ આંખો બંધ કરી. અનાયાસે તેની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી અને ઓશિકાને બંને બાજુથી ભીંજવતી રહી. આજે કામિનીને પોેતાની જાત પર આશ્ચર્ય ઉપજી રહ્યું હતું. તેને એમ થયું કે હજી સુધી તે કઠોર કેમ નથી થઈ. ૨૩ વર્ષથી તેનો પતિ આવી જ રીતે તેની અવગણના કરતો આવ્યો છે. છતાં તેને આજે પણ આટલું બધું કેમ લાગી આવે છે?

ફરીથી મન મક્કમ કરીને તે રસોડામાં ગઈ. રસોઈ તૈયાર કરીને ટિફિન પેક કર્યું અને દરરોજની જેમ ડાઈનિંગ ટેબલ પર મૂકી આવી. કીર્તિભાઈએ પણ ત્યાં સુધી નિત્યક્રમ પતાવીને ઓફિસ જવાની તૈયારી કરી લીધી. ડાઈનિંગ ટેબલ પર મૂકેલું ટિફિન લઈને બેગમાં મૂક્યું અને ઘરનો દરવાજો ખોલીને બહાર નીકળી ગયા. કામિનીએ અન્ય નાના-મોટા ગૃહકાર્યો પરાણે આટોપ્યાં.

અને ફરી પાછી પથારીમાં પડી. પરંતુ બેચેન બનીને પડખાં ફેરવતી રહી. હવે તેની બેચેની વધી રહી હતી. તેના ડાબા હાથમાં વેદના થઈ રહી હતી. તેણે જમણા હાથે ડાબો હાથ દબાવવાનો પ્રયાસ કર્યો, પણ તે પરસેવાથી રેબઝેબ થઈ ગઈ. તેને એમ લાગતું હતું જાણે હમણાં તેનું હૃદય બંધ પડી જશે.

કામિનીએ આંખ ખોલી ત્યારે તે હોસ્પિટલના બિછાને હતી. તેણે આંખ ખોલીને જોયું તો તેના બંને પુત્રો તેની સામે ઊભા હતા. તે કાંઈક પૂછવા જતી હતી, પણ મોટા દીકરાએ ઈશારાથી જ તેને ચૂપ રહીને આરામ કરવાનું કહ્યું. કામિનીએ આમતેમ જોયું.

તેના પુત્રો સુમીત-સાહિલ સમજી ગયા કે તે તેમના પિતાને શોધી રહી છે. તેમણે કહ્યું, ‘ચિંતા ન કર મમ્મી. અમે છીએ ને તારી પાસે’. કામિનીનું હૈયું ભરાઈ આવ્યું. મનના ભાવ આંખોમાં ન ડોકાય એટલે તેણે નેણ પર પાંપણ ઢાળી દીધી.

કામિનીની બંધ આંખોમાં જાણે ૨૩ વર્ષની ફિલ્મ ફરી રહી. હજી માત્ર ૧૮ વર્ષ પૂરાં જ કર્યાં હતાં ત્યાં માતાપિતાએ એન્જિનિયર યુવકનું માગું આવતાં તેને સાસરે વળાવી દીધી. તેના સાસુ-સસરાએ તેને ફૂલની જેમ જાળવી હતી. કામિનીની એકેય ઈચ્છા તેમણે અધૂરી નહોતી રાખી.

પણ કીર્તિભાઈએ ક્યારેય તેની સામે પ્રેમપૂર્વક તો શું, માનપૂર્વક પણ નહોતું જોયું. તેમના કડક- રૂક્ષ સ્વભાવથી કામિની પારેવાંની જેમ ફફડતી. કીર્તિભાઈ માતાપિતા સાથે પણ આવું જ વર્તન કરતાં. પોતાની વાત મનાવવા માટે તેઓ ઘર છોડીને ચાલ્યા જવાની કે આત્મહત્યા કરવાની ધમકીઓ આપતાં.

અને કામિનીનો વિચાર કરીને કીર્તિભાઈના મા-બાપ તેની જિદ સામે નમતું જોખતાં. કામિનીને આ બધું જોઈને બહુ નવાઈ લાગતી. પણ સાસુ-સસરા પાસેથી માતાપિતા કરતાં પણ વિશેષ પ્રેમ મળ્યા પછી તેણે ક્યારેય કોઈ સવાલ પૂછીને તેમનું દિલ દુભાવાનો પ્રયાસ નહોતો કર્યો.

એક દિવસ કામિની ચા લઈને સાસુ-સસરાના ઓરડામાં જઈ રહી હતી. સાસુનો અવાજ સાંભળીને તેના પગ દરવાજાની બહાર જ ખોડાઈ ગયા. તેના સાસુ પતિ સામે બળાપો કાઢી રહ્યાં હતાં, ‘ફૂલ જેવી નાજુક અને ગાય જેવી સરળ છોકરી શોધી આપી છે.

બીજો કોઈ છોકરો હોય તો વહુઘેલો થઈ જાય. પણ કીર્તિને તો કામિનીની કાંઈ પડી જ નથી. હજીયે એનો જીવ ઓલી અલ્ટ્રા મોડર્ન ભૈરવીમાં ભરાયેલો છે. નાનપણથી કરીને આજ દિન સુધી આપણે કીર્તિની કઈ વાત નથી માની? બસ, તેના લગ્ન ઓલી છીછરી સાથે કરાવી આપવાની ના પાડી હતી.

તે પણ એના સારા માટે જ ને. ઓલી નખરાળી છોકરી શું સંભાળવાની હતી આપણા એકના એક દીકરાની ગૃહસ્થી. આખું ઘર વેરવિખેર કરી નાખત.’ પત્નીની વાત સાંભળીને તેના સસરાએ પણ તેમાં સૂર પૂરાવ્યો હતો. ‘હાસ્તો વળી. કામિની કેટલી ડાહી અને સમજું છે. કીર્તિ એને આટલું અવગણે છે તોય ક્યારેય ફરિયાદ નથી કરી.

એ તો કીર્તિની જિદ્ સામે આપણે નમ્યા નહીં અને જિંદગીમાં પહેલી વખત મેં તેને અડબોથ ઠોકી દીધી એટલે ટાઢો પડી ગયો અને ચૂપચાપ કામિની સાથે લગ્ન કરી લીધાં. તે વખતે જો કીર્તિની જિદ્ સામે ઝૂકી ગયા હોત તો આજે આવી ડાહીડમરી વહુની જગ્યાએ ઓલી ઊછાંછળી ફરતી હોત આપણા ઘરમાં.’