શું તમે જાણો છો ક્યાં સંતે દિવસમાં 108 વાર કર્યું હતું સ્નાન જાણો

0
157

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, મહારાષ્ટ્રમાં એક સંત થઈ ગયા એકનાથ. ભારતભરમાં તેઓ ખ્યાતિ પ્રાપ્ત સંત તરીકે ગણના પામ્યા છે. તેઓ એક તપસ્વી હતા. ભારે પરોપકારી અને સરળ સ્વભાવના હતા. એક દિવસ નદીમાં સ્નાન કરીને તે પોતાના નિવાસ સ્થાન તરફ પાછા ફરી રહ્યાં હતા ત્યારે તે એક વસતીમાંથી પસાર થયા. તેમના માથે અનાચક પાણી પડ્યું.

તેમણે પાછળ ફરીને જ્યારે ઉપર જોયું ત્યારે એક વ્યક્તિ માટીના ટીંબા પર બેસીને કોગળા કરી રહી હતી. તે પાણી તેમના માથા પર પડ્યું હતું. આમછતાં તેમણે ગુસ્સે ન થતાં કોઈ રોષ દાખવ્યો નહોતો. તેમના ચહેરા પર પણ કોઈ નાપસંદગીના ભાવ જોવા મળ્યાં ન હતા. એક શબ્દ પણ બોલ્યા વગર તે પાછા નદી તરફ ફરી ગયા.

તેમણે નદીમાં બીજીવાર સ્નાન કર્યું અને ફરીથી પોતાના રસ્તે ચાલવા લાગ્યા. વળી પાછા તે વસતીમાંથી પસાર થયાં. આ વખતે પેલા માણસે તેના પ્રતિક્રિયા જાણવાના ઈરાદે હાથે કરીને તેમના પર કોગળા કરી દીધાં. આ વખતે સંત એકનાથે કોઈ પ્રતિક્રિયા ન આપી. પાછા તે નદી તરફ ફરીથી સ્નાન કરવા ચાલ્યા ગયા. આમછતાં પેલો દુષ્ટ વ્યક્તિ પાછા ફરે ત્યારે ફરી ફરીને તેમના પર કોગળા કરી દેતો હતો અને એકનાથજી ફરી પાછા સ્નાન કરી આવી પોતાના રસ્તે આગળ વધવા જતા. આમ 108 વાર થયુંય અંતે પેલા દુષ્ટથી ન રહેવાયું. તેને લાગ્યું કે આવો વ્યવહાર કરનારા કોઈ સામાન્ય વ્યક્તિ ન હોઈ શકે. આ જરૂર કોઈ પહોંચેલા મહાત્મા હોવા જોઈએ.

એ વિચાર સાથે જ તેને પસ્તાવો થયો. તે સંતના ચરણોમાં ઝુકી પડ્યો. તે બોલ્યો કે મહારાજ મારી દુષ્ટતાને માફ કરો. મેં તમને બહું જ પરેશાન કર્યા. આમછતાં તમે તમારી ધીરજ ન ખોઈ. મને ક્ષમા કરી દો. મહાત્મા એકનાથે તેને સાંત્વના આપતા કહ્યું કે બેફિકર રહો. ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. તમે તો મારી પર મહેરબાની કરી છે. આજે મને એકસોઆઠ વાર સ્નાન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તે તમારા કારણે થયું તમે મારા પર કેટલો ઉપકાર કર્યો. સંતનું કહેવું સાંભળી પેલો દુષ્ટાત્મા જોરશોરથી રડ઼વા લાગ્યો.. તેને પોતાના કાર્ય પર ભારે પસ્તાવો થવા લાગ્યો.

મહારાષ્ટ્રના પૈઠણ નામના ગામમાં સંવત ૧૫૯૦માં જન્મેલા મહાત્મા એકનાથ ઉત્તમ કોટિના સંત હતા. બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ પરિવારમાં તેમનો જન્મ થયો હતો અને તે બાળપણથી જ પ્રતિભાશાળી, વિદ્વાન અને મેઘાવી હતી. નાની ઉંમરે જ તેમણે સંસ્કૃતમાં વાતચીત કરવાની યોગ્યતા પ્રાપ્ત કરી લીધી હતી. બાર વર્ષની વય સુધીમાં તો તેમણે રામાયણ, મહાભારત અને ભાગવતના અનેક અંશ અને કેટલીય પૌરાણિક કથાઓનું અધ્યયન કરી લીધું હતું. તેનાથી તે ઈશ્વર-અભિમુખ બન્યા અને તેમનામાં આધ્યાત્મિક જ્ઞાાનની અભીપ્સા ઉત્પન્ન થઈ.

એક દિવસ અંતઃપ્રેરણાથી તે ઘેરથી નીકળી પડયા અને દેવગઢ જઈ જનાર્દન સ્વામીના શિષ્ય બન્યા. તેમણે છ વર્ષ સુધી જનાર્દન સ્વામી પાસે રહીને આધ્યાત્મિક જ્ઞાાન ગ્રહણ કર્યું. એકનાથજીએ પોતે લખ્યું છે – “‘હું ગુરુ સેવામાં એવો તલ્લીન થઈ જતો કે તરસ જળને ભૂલી જતી અને ભૂખ અન્નને ભૂલી જતી !’ છ વર્ષ પર્યંત ગુરુ પાસેથી જ્ઞાાન ગ્રહણ કર્યા પછી તેમણે શૂલભંજ નામના પર્વત પર જઈ કેટલાય મહિનાઓ સુધી એકાંતમાં તપસ્યા કરી. જ્યારે ગુરુને એમ લાગ્યું કે તે બધી રીતે યોગ્ય બન્યા છે ત્યારે તેમને તીર્થયાત્રા કરી જ્ઞાાન અને ભક્તિનો પ્રસાર કરવા આજ્ઞાા કરી. બે-ત્રણ વર્ષ લગભગ બધા તીર્થોની યાત્રા કરી અંતે પોતાના ગામે પરત ફરી ગૃહસ્થાશ્રમ શરૃ કર્યો. એકનાથ ભાગવતની કથા સરળ ભાષામાં કહેતા અને જાતે ભજનો બનાવી સુંદર કંઠે ગાતા.

સંત એકનાથ પ્રાણી માત્રમાં પરમાત્માના દર્શન કરતા. એકવાર એકનાથજી ક્યાંક જઈ રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે રસ્તા પર નીકળેલા કોઈ સાપને લોકો મારી રહ્યા હતા. તેમણે તેમને અટકાવ્યા અને કહ્યું – “એ ક્યાં તમને કરડવા આવે છે ? એ તો રસ્તો ઓળંગીને બીજી તરફ જતો હતો. સાપ જોયો નથી કે એને માર્યો નથી એવું થોડું કરાય ? એ સર્પ યોનિમાં જન્મ્યો છે તેથી શું થઈ ગયું ? તમે એને નહીં મારો તો તે તમને પણ નહીં મારે. એને પોતાનો જીવ જોખમમાં છે એવું લાગે તો ડરીને તે દંશ મારે, નહીંતર ન મારે.’ સંત વચનની અસર તો થાય જ. લોકોના ગળે આ વાત ઉતરી ગઈ અને તેમણે સાપને જવા દીધો.

થોડા દિવસ પછી એકનાથ અંધારામાં નદીએ સ્નાન કરવા જતા હતા. તે વખતે કિનારા પાસે એક સાપ તેમની સામે આવી ફેણ ચડાવી ઊભો રહી ગયો. એકનાથજીએ તેને હળવેથી હટાવવાનો બહુ જ પ્રયત્ન કર્યો પણ તે ત્યાંથી ના ખસ્યો તે ના જ ખસ્યો. એકનાથજી ત્યાંથી પાછા ફરી બાજુના બીજા ઘાટે સ્નાન કરવા જતા રહ્યા. સ્નાન કરીને પાછા ફરતા હતા ત્યારે અજવાળું થઈ ગયેલું. પેલો સાપ ત્યાં જ છે કે જતો રહ્યો છે તે જાણવાનું તેમને કુતૂહલ થયું. તેથી તે જગ્યાએ પાછા આવ્યા. જુએ છે તો ત્યાં સાપ તો નથી

પણ સાપ જ્યાં સ્થિર બનીને ઊભો રહી ગયો હતો અને તેમને આગળ જવા દેતો નહોતો. તેની પાછળ વરસાદને લીધે મોટો ખાડો પડી ગયો હતો. એકનાથજી એ ખાડામાં પડી જાય નહીં એ માટે તેમને ત્યાંથી પાછા વાળવા એ સાપે પ્રયત્ન કર્યો હતો. એકનાથજી સમજી ગયા કે જે સર્પને તેમણે લોકોના મારથી બચાવી જીવતો જવા દીધો હતો તેણે જ તે પરોપકારનો બદલો વાળવા તેમને ખાડામાં પડતા બચાવી તેમનું રક્ષણ કર્યું હતું !

સંત એકનાથના જમાનામાં છૂત-અછૂતની ભ્રમણા ભારે પ્રમાણમાં હતી. શૂદ્ર જાતિમાં જન્મેલો રાન્યા નામનો એક યુવક એકનાથજીના કીર્તન અવારનવાર સાંભળતો. એકવાર એમના મુખેથી ઉપદેશ સાંભળ્યો ‘”પ્રાણીમાત્રમાં એક જ ઈશ્વરનો વાસ છે. એટલે જગતમાં બધા મનુષ્યો અને પ્રાણીઓ સાથે સમાનતાથી વર્તવું જોઈએ. પ્રભુના રાજ્યમાં કોઈ ઊંચ કે નીચ નથી.’

રાન્યાના મનમાં વિચાર આવ્યો કે જો અમારામાં પણ ઈશ્વરનો વાસ છે તો એકનાથજી અમારા ઘેર પણ પધારે જ ને ! તેણે એકનાથજીને પોતાના ઘેર ભોજન લેવા નિમંત્રણ આપ્યું. આમેય રાન્યા બહુ ધર્મનિષ્ઠ હતો અને ક્યારેય માંસ કે મદિરાને અડકતો પણ નહોતો. એકનાથજીએ એના નિમંત્રણનો નિઃસંકોચ ભાવે સ્વીકાર કર્યો અને બીજા બ્રાહ્મણોનો ભારે વિરોધ હોવા છતાં તેને ઘેર જઈ ભોજન લીધું. એના લીધે કટ્ટરવાદી બ્રાહ્મણોએ ઘણા સમય સુધી તેમની નિંદા કર્યે રાખી, તેમ છતાં તેમણે તેની પરવા ન કરી.

સંત એકનાથજીએ અનેક પતિત લોકોનો પણ ઉદ્ધાર કર્યો હતો. પૈઠણમાં રહેતી દેહનો વ્યાપાર કરતી એક પતિત સ્ત્રીને એમની ભાગવત કથામાં પિંગલા ચરિત્રનું આખ્યાન સાંભળી વૈરાગ્ય ઉપજ્યો અને પોતાના પૂર્વ જીવન પરત્વે પશ્ચાત્તાપ થતાં ભગવાનની ભક્તિના માર્ગે જવાની ઈચ્છા થઈ. ત્યારે સંત એકનાથજીએ તેની મરજીને માન આપીને તેના ઘેર જઈ તેનું ઘર પાવન કર્યું હતું અને તેને ‘રામ કૃષ્ણ હરિ’નો મંત્ર આપી પુણ્ય પંથે વાળી તેનો ઉદ્ધાર કર્યો હતો.

આમ એકનાથજીએ પોતાના ઉદાહરણ દ્વારા પોતાના સમકાલીન લોકોને સાચા બ્રાહ્મણત્વનો આદર્શ બતાવ્યો કે કેવળ બાહ્ય શુદ્ધાચાર અને પૂજા-પાઠથી બ્રાહ્મણ નથી બનાતું. પણ નિમ્ન દશામાં પડેલા પ્રાણીઓ, કચડાયેલા અને દમિત થયેલા પતિત લોકોને ઉપર ઉઠાવી. એમનો ઉદ્ધાર કરવાથી બ્રાહ્મણ બનાય છે. જે વ્યક્તિ એમ સમજે છે કે નીચ કે પતિત લોકોના સંસર્ગમાં આવવાથી તે ભ્રષ્ટ થઈ જશે કે તેને પાપ લાગશે, તે શુદ્ધતા અને જ્ઞાાનનો ઢોંગ જ કરે છે. કોઈ પડતા માનવીને બચાવવામાં આપણા હાથ મેલા થઈ જાય એનાથી કંઈ આપણો આત્મા દુષિત થઈ જતો નથી.છાંસઠ વર્ષની વયે દેહ છોડતી વખતે તેમણે ભક્તોને ઉપદેશ આપ્યો હતો – “ભાગવત ધર્મનું પાલન કરજો, હળીમળીને રહેજો, વિઠોબાના ચરણનું શરણ લેજો અને મનુષ્ય જન્મ સાર્થક કરજો ….