જાણો કેમ અંતિમ સંસ્કાર કર્યા બાદ પરત ફરતી વખતે પાછળ ન જોવું જોઈએ, જાણો એનું કારણ….

0
8131

હિન્દૂ ધર્મમાં વ્યક્તિના જન્મથી મૃત્યુ સુધીમાં સોળ સંસ્કાર કરવાનું વર્ણન કરવામાં આવ્યું છે. પંચતત્વથી બનેલા શરીરના સૌથી છેલ્લે કરવામાં આવે છે અંતિમ સંસ્કાર. શાસ્ત્રોમાં જણાવ્યાનુસાર શરીર પંચ તત્વો એટલે પૃથ્વી,જળ,અગ્નિ,વાયુ અને આકાશથી બનેલું હોય છે અને અંતિમ સંસ્કાર કરવાથી શરીર ફરીથી એ તત્વોમાં વિલિન થઈ જાય છે. આ વિધિ પછી જ આત્માને નવું શરીર મેળવવાનો અધિકાર મળે છે.કોઈપણ વ્યક્તિના અંતિમ સંસ્કાર જો વિધિપૂર્વક ન થાય તો મૃતકની આત્મા ભટકતી રહે છે. જેના અંતિમ સંસ્કાર યોગ્ય રીતે ન થાય તેની આત્માને પ્રેતલોકમાં જવું પડે છે. આ સિવાય માણસના મૃત્યુ પછીની દરેક વિધિ અને નિયમનું પાલન કરવું જરૂરી હોય છે. તેમાં સૌથી મહત્વનું હોય છે દાહ-સંસ્કારના નિયમોનું પાલન કરવું. કયા કયા છે આ અગત્યના નિયમો અને તેની પાછળ શું છે માન્યતા જાણી લો આજે તમે પણ.

જો કોઈ વ્યક્તિનું મૃત્યુ સાંજ પછી થાય તો તેના અંતિમ સંસ્કાર રાત્રે ન કરવા, અંતિમ વિધિ સવારે સૂર્યોદય પછી જ કરવી જોઈએ. સૂર્યાસ્ત થયાં પછી દાહ સંસ્કારની વિધિ કરવાની શાસ્ત્રમાં મનાઈ કરવામાં આવી છે. આવી જ રીતે જો કોઈ વ્યક્તિ દિવસે મૃત્યુ પામે તો તેના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત પહેલાં કોઈપણ પ્રકારનો વિલંબ કર્યા વિના કરી દેવા જોઈએ. જો અંતિમ સંસ્કાર સંધ્યા સમય પછી એટલે કે રાત્રે કરવામાં આવે તો મૃતકને પરલોકમાં યાતના ભોગવવી પડે છે. માનવામાં આવે છે કે તે વ્યક્તિને બીજા જન્મમાં નબળા અંગ સાથે જન્મ મળે છે.

જીવનની સાથે મૃત્યુ પણ સાથે ચાલે છે. ધરતી પર જે આવે છે તેનું જવાનું પણ નક્કી છે. આ સત્યને માનવીઓ સહન કરી શકે તે માટે ભગવાને પણ અવતાર લઈને મનુષ્ય શરીરનો ત્યાગ કર્યો છે. જીવન મૃત્યુના ચક્રમાં મનુષ્ય સમજી શકે અને આત્માને સદગતિ પ્રાપ્ત થાય એટલા માટે હિંદુ ધર્મમાં જીવનથી મૃત્યુ સુધી 16 સંસ્કાર બનાવવામાં આવ્યા છે. જેમાં 16મો સંસ્કાર અંતિમ સંસ્કાર છે જેમાં શરીરને પંચતત્વોને સોંપી દેવામાં આવે છે અને આત્માને પરમાત્માને મોકલી દેવાય છે. આ સંસ્કારના પણ કેટલાક નિયમ છે જેનાથી જે ગયું છે તેનો દુનિયાથી મોહ છૂટી જાય અને જે જીવિત છે તેઓ સ્વસ્થ્ય અને સરક્ષિત સામાન્ય જીવન જીવી સાંસારિક કર્મોને નિભાવી શકે.

સૂર્યાસ્ત પછી અગ્નિ સંસ્કાર ન કરવા પાછળ એવી પણ માન્યતા છે કે સૂર્યાસ્ત થવાની સાથે જ સ્વર્ગના દ્વાર બંધ થાય છે અને બીજા દિવસ સૂર્યોદય સુધી નર્કના દરવાજા ખુલ્લા હોય છે. જો આ સમયમાં અગ્નિ સંસ્કાર થાય તો વ્યક્તિની આત્મા નર્કમાં જાય છે. અન્ય એક માન્યતા એવી પણ છે કે આત્મા સૂર્યથી જ જન્મ લે છે અને સૂર્યમાં જ વિલીન થાય છે, જ્યારે ચંદ્ર પિતૃનો કારક છે. રાત્રિના સમયે આસુરી શક્તિ પ્રબળ હોય છે જે મુક્તિના માર્ગમાં બાધા ઉત્પન્ન કરે છે. આ કારણથી પણ અંતિમ સંસ્કાર દિવસ દરમિયાન જ કરવા જોઈએ.

અંતિમ સંસ્કારમાં કપાલ ક્રિયા, અંતિમ સંસ્કાર દરમિયાન જ્યારે શરીરને અગ્નિ આપવામાં આવે છે. તે દરમિયાન જે ઠાઠડી પર મૃતદેહને લાવવામાં આવ્યો હોય છે તેની વચ્ચેનો વાંસ કાઢીને તેને મૃતદેહના માથા પર ધીમે રહીને પછાડવામાં આવે છે જેને કપાલ ક્રિયા કહેવામાં આવે છે. જેનાથી સાંસારિક મોહમાં ફસાયેલો જીવ શરીરના બંધનમાંથી મુક્ત થઈ જાય છે.

અંતિમ સંસ્કાર બાદ આ ક્રિયા કરવી જરૂરી, અંતિમ સંસ્કારના અંતમાં જયારે પરિવારના લોકો સ્મશાનથી ઘરે પરત ફરે છે ત્યારે પાછળ ફરીને જોવાનું નથી. પાંચ લાકડીઓને ફેંકીને મૃત્યુને પ્રાપ્ત વ્યક્તિની આત્માને કહેવામાં આવે છે કે હવે તમે પંચતત્વમાં વિલીન થઈને આ સંસારનો મોહ ત્યાગો અને પોતાના આગામી સફર પર આગળ વધો.શું છે માન્યતા.

એવી માન્યતા છે કે શરીર છૂટી જવાથી જીવાત્મા પોતાના પરિવારજનો સાથેનો મોહ સમાપ્ત થતો નથી અને તે સ્મશાનમાં આવેલા પોતાના પરિવારજોને જોઈને દુખી રહે છે. સાંસારિક મોહથી આત્માની મુક્તિ માટે તેને અનુભવ અપાવવામાં આવે છે કે અમે તમને ભૂલી ગયા છીએ અને તમારા પ્રતિ અમારો મોહ સમાપ્ત થઈ ગયો છે. એટલા માટે જ સ્મશાનથી પરત ફરતી વખતે પરિવારજનોનેએ પાછળ ન જોવાની માન્યતા છે.

સ્મશાનથી પરત આવ્યા બાદ સ્નાન કરવું, જે લોકો સ્મશાન ગયા છે તેમણે તે જ વસ્ત્રો સહિત સ્નાન કરવું પડે છે.ઘરમાં પ્રવેશ લેતા પહેલા અગ્નિ, જળ, લોખંડ કે પત્થરનો સ્પર્શ કરવો પડે છે. ત્યાર પછી મરચાનો ટુકડો બે દાંત વચ્ચે દબાવવાનો હોય છે. કોઈ-કોઈ જગ્યાએ પવિત્ર થવા માટે ઘી પણ પીવે છે લોકો. માન્યતા છે કે તેનાથી નકારાત્મક શક્તિોનો પ્રભાવ દૂર થાય છે.