બાળકને સ્તનપાન કરાવતી માતાએ ખાસ ધ્યાનમાં રાખો આટલી વાતો તમારાં બાળક પર પડશે સારો પ્રભાવ.

0
64

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, બાળક જન્મે એ પછીના બે-ત્રણ મહિના સુધી તે પોતાની મમ્મીને જ ઓળખે છે, પપ્પા સાથે તેને એટલું અટેચમેન્ટ નથી હોતું. એનું કારણ છે માના ગર્ભ દરમ્યાન બાળકને જે સુગંધ અને સલામતી મળતી હતી એને કારણે તે મમ્મીને તરત ઓળખી જાય છે. બાળક માના પેટમાં ઊછરી રહ્યું હોય ત્યારથી તેની સાંભળવાની શક્તિ વિકસેલી હોય છે.

આ વિશે સ્પેશ્યાલિસ્ટોનું કહેવું છે કે, બાળક સૌથી પહેલાં જે અવાજ સાંભળે છે એ તેની પોતાની માના હૃદયના ધબકારા હોય છે. આ ધબકારાને કારણે તેને એક પ્રકારની રિધમ સાંભળવાની આદત પડી ગઈ હોય છે. બાળક જ્યારે દુનિયામાં પ્રવેશે છે ત્યારે માના ગર્ભમાંની હૂંફ અને એ રિધમ વિના પોતાને ઇનસિક્યોર મહેસૂસ કરે છે. નવજાત શિશુને માની છાતી પર સુવડાવવાથી તે મમ્મીની હાર્ટ રિધમ સાંભળી શકે છે ને એટલે તે શાંત થઈ જાય છે.

જો કે પ્રેગ્નન્સી દરમ્યાન અને ડિલિવરી પછી બાળકને સ્તનપાન કરાવતી વખતે હળવું, મન શાંત કરે એવું મ્યુઝિક સાંભળવાથી બાળકને સલામતી લાગે છે. મ્યુઝિકથી મગજમાંથી સ્ત્રવતા સેરોટોનિન નામના કેમિકલનું પ્રમાણ વધે છે. અને મ્યુઝિકથી વ્યક્તિ પોતાના જાગ્રત મન અને અર્ધજાગ્રત મન વચ્ચે જોડાણ અનુભવી શકે છે. આ વિશે રિસર્ચરોએ લગભગ 50 મમ્મીઓ પર કરેલા પ્રયોગ પછી તારવ્યું છે કે, જે મમ્મીઓ ઇન્સ્ટયુમેન્ટલ મ્યુઝિક સાથે સ્તનપાન કરાવે છે તેમનાં બાળકો ઓછું રડે છે અને મમ્મી સાથે વધુ ઇમોશનલ અટેચમેન્ટ ધરાવે છે.

આ ઉપરાંત બાળકને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ એ તેમના આહારની વિશેષ કાળજી લેવી પડે છે. જો તે કંઈક એવી ચીજવસ્તુ ખાઈ લે છે જે તેને ન ખાવી જોઈએ, તો તે તેના બાળકના સ્વાસ્થ્યને અસર કરે છે. તમારું બાળક બીમાર પણ થઈ શકે છે, તેથી સ્ત્રીઓને બાળકને સ્તનપાન કરાવતા પહેલા તેમના ખોરાક વિશે ખૂબ કાળજી લેવી જોઈએ.ખરેખર, આ એકદમ સાચું છે કે સ્ત્રીઓને સગર્ભા થયા પછી અને ગર્ભવતી થતા પહેલાં તેના આહાર વિશે ખાસ ધ્યાન રાખવું પડે છે, કારણ કે આ સમય દરમિયાન શરીરમાં ઘણા ફેરફારો થાય છે. તો ચાલો જાણીએ સ્તનપાન કરાવતી મહિલાઓએ કઈ ચીજોવસ્તુઓ ન ખાવી જોઈએ.

ડિલિવરી પછી મહિલાઓને ઘણી ચીજવસ્તુઓ પ્રત્યે પરહેજ હોય છે. તેમને હળવો ખોરાક આપવામાં આવે છે અને એ ખાસ કાળજી પણ લેવામાં આવે છે કે વધુ મસાલેદાર તીખું અને મરચાં વાળો ખોરાક આપવામાં ન આવે. કારણ કે નવજાત શિશુને માત્ર માતાના દૂધ દ્વારા જ પોષક ખોરાક મળતો હોય છે અને માતાનું સ્વાસ્થ્ય જેટલું સારું રહેશે તેટલું જ બાળકનું આરોગ્ય સારું જળવાય રહેશે.જો તમે નવજાત શિશુને સ્તનપાન કરાવતા હોવ તો તમારે ચા અને કોફીનું પ્રમાણ મર્યાદિત પ્રમાણમાં લેવું જોઈએ. નવજાત શિશુ ના જનમ પછી થોડા દિવસો સુધી હળવું ભોજન લો અને મરચું-મસાલેદાર અને તેલયુક્ત ચીજો ટાળો.

આ સમય દરમિયાન, તમારે મહત્તમ ફળ અને શાકભાજી લેવા જોઈએ. દરેક સ્ત્રી એ બાળકને જન્મ આપ્યા પછી દરરોજ ઓછામાં ઓછા બે બાઉલ ફળ ખાવા જ જોઇએ. આ સમય દરમિયાન, સ્ત્રીઓએ કેળા, કેરી, જરદાળુ, સૂકા પ્લમ, નારંગી, દ્રાક્ષ, તરબૂચ અને સફરજન જેવા ફળ ખાવા જોઈએ.સ્તનપાન કરાવતી મહિલાઓએ ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ. સ્તનપાન કરાવતી મહિલાઓએ કાકડી, તજ, કાળા મરી અને માછલી ન સેવન ન કરવું જોઈએ. તેમજ, લસણ પણ ન ખાવું જોઈએ.

આ ઉપરાંત આ પણ જાણો બાળક જ્યાં સુધી ગર્ભમાં ઊછરતું હોય ત્યારે મહિલાઓ ખાવા-પીવા અને ઊઠવા-બેસવા વિશે સભાન હોય છે. મા જે ખાય-પીએ છે, જે જીવનશૈલી જાળવે છે એની સીધી અસર બાળક પર પડે છે. જોકે ડિલિવરી પછી ભલે બાળક માની કૂખમાંથી બહાર આવી ગયું હોય, પરંતુ તેનો પોષણનો તમામ આધાર હજીયે સંપૂર્ણપણે મા પર જ નિર્ભર હોય છે. એ ભૂલવું ન જોઈએ કે જ્યાં સુધી મા બાળકને પોતાનું દૂધ પીવડાવે છે ત્યાં સુધી તેના આહાર-વિહારમાં ગરબડ થાય તો તરત જ એની અસર શિશુના સ્વાસ્થ્ય અને વિકાસ પર વર્તાય છે.

મોટા ભાગની મમ્મીઓને બાળકને સ્તનપાન કરાવતી વખતે જાતજાતની સમસ્યાઓ થાય છે. આ સમસ્યાઓમાં આયુર્વેદને ધ્યાનમાં રાખીને ચોક્કસ પરિવર્તનો અને આહારવિહાર રાખવામાં આવે તો બ્રેસ્ટફીડિંગનો આ તબક્કો સૌથી હેલ્ધી અને હેપી બની રહે છે. આયુર્વેદની દ્રષ્ટિએ માનું દૂધ પણ ત્રણેય દોષોનું સંતુલન ધરાવતું હોવું જોઈએ. જ્યારે પણ માના આહારવિહારમાં ચોક્કસ દોષોનું પ્રમાણ વધે છે ત્યારે એની અસર દૂધમાં પણ દેખાય છે.

કફજ દોષ હોય એવાં બાળકોનું વજન ઝડપથી વધે છે, ગળા-છાતીમાં કફ ભરાય છે. પિત્તજ દોષ હોય તો બાળકને દૂધનો ટેસ્ટ પસંદ નથી આવતો. બચ્ચાને પણ કબજિયાત થાય છે, ચીડિયાપણું રહે છે, વજન ઘટતું જાય છે. વાત જ દોષ હોય તો બાળકને પેટમાં ચૂંક આવે છે, બચ્ચું વગર કારણે રડયા કરે છે, શિશુને પણ ખૂબ વાછૂટ થાય છે.આમ જોવા જઈએ તો બાળકની સમસ્યા પરથી માના આહારવિહારમાં ક્યા દોષને સંતુલિત કરવાની જરૃર છે એ સમજાઈ જાય, પરંતુ એમ છતાં દૂધની ક્વૉલિટી પરથી જો સમજવું હોય તો એક પ્રયોગ કરી શકાય. સ્તન દબાવીને અડધી ચમચી જેટલું દૂધ કાઢી લેવું.

એક ગ્લાસ પાણીમાં એનું એક ટીપું નાખવું. જો હલાવ્યા વિના જ દૂધ થોડી વારમાં આપમેળે પાણીમાં એકરસ થઈ જાય તો એ નોર્મલ અને સંતુલિત દૂધ છે એમ કહી શકાય. જો આ દૂધનું ટીપું પાણીમાં નીચે બેસી જાય અને પછી ઓગળે તો એમાં કફજ દોષ હોય. જો દૂધનું ટીપું પાણી ઉપર તરતું રહે તો એમાં વાતજ દોષ વધુ હોય. જો દૂધનો રંગ પીળો હોય અને એ પાતળું હોય તો એ પિત્તજ દોષ હોય.

ડિલિવરી પછી પહેલી વારનું દૂધ પીળા રંગનું ઘાટું દૂધ હોય છે. એ રોગપ્રતિકારક ક્ષમતા ધરાવતા ઘટકો ધરાવે છે એટલે એને એબ્નોર્મલ માનવાની ભૂલ ન થાય.જો કફજ દૂધ આવતું હોય તો બેસનને ઘીમાં શેકીને દૂધની રાબ બનાવીને લેવી. ગળપણ ઓછું લેવું અને થોડીક ચમચી દાડમનો જૂસ લેવો.

જો દૂધ વાતપ્રધાન હોય અને બાળકને પેટમાં ચૂંક આવ્યા કરતી હોય એવું લાગે તો મમ્મીએ ગાયનું ઘી પૂરતી માત્રામાં લેવું. સાથે દૂધમાં સૂંઠ અને ગંઠોડા નાખીને ઉકાળીને લેવું. રાતે સૂતી વખતે એરંડિયું લેવાથી માને ગેસ અને કબજિયાત નહીં રહે. .જો દૂધ પિત્તપ્રધાન હોય તો ભોજનમાં તીખું, તળેલું, આથાવાળું, અથાણું, પાપડ વગેરે ન લેવાં. શાકભાજી અને ગળ્યાં ફળોનું સેવન વધારવું. માએ શતાવરીનું ચૂર્ણ નાખીને ઉકાળેલું ગાયનું દૂધ પીવું.

જ્યારે બાળકની ભૂખ પૂરતી સંતોષાય એટલું દૂધ આવતું ન હોય ત્યારે માની સ્થિતિ કફોડી થઈ જાય છે. ભૂખ્યું બાળક રડી-રડીને વધુ એનર્જી બાળી નાખે છે. એવા સમયે કુદરતી રીતે જ વધુ દૂધ આવે એ માટે શાહજીરું અને સાકર દૂધમાં મેળવીને લેવું. શિંગોડાના લોટની રાબ બનાવીને પીવાથી પણ દૂધની માત્રા વધે છે. અપૂરતા દૂધને કારણે બાળક નબળું રહેતું હોય, પૂરતી ઊંઘ ન લેતું હોય તો માના દૂધમાં માલકાંગણી મેળવીને લેવું.ગાયનું દૂધ અને ગાયનું ઘી રોજ લેવું. સ્ટેમિના હોય એટલી કસરત કરવાનું પણ રાખવું.

શાકભાજી અને સીઝનલ ફળોનું સેવન કરવું. ભોજનમાં હળદર, હિંગ, કાળા મરી, ધાણા અને જીરુંનો ઉપયોગ કરો. મરચાં, ગરમ મસાલો, તૂરો સ્વાદ ધરાવતા મસાલા ન વાપરવા.રાતે મુઠ્ઠીભર બદામ પલાળીને બીજા દિવસે એમાં એક કપ દૂધ ઉમેરીને ગ્રાઈન્ડ કરીને દૂધ બનાવવું. એમાં સૂંઠ, એલચી, કેસર અને ખડીસાકર નાખીને ઉકાળેલું દૂધ પીવું.

માના દૂધ પર માત્ર આહારની જ નહીં, માનસિક અવસ્થાની પણ ગહેરી અસર પડે છે. ગુસ્સો, દ્વેષ, ક્રોધ, ગ્લાનિ જેવી નકારાત્મક લાગણીઓ દૂધની ગુણવત્તા પર અસર કરે છે. સંતુલિત આહારની સાથે રિલેક્સેશન, ધ્યાન અને માનસિક શાંતિ બહુ જ મહત્ત્વની છે. સ્નાયુઓ રિલેક્સ થાય અને સ્ટ્રેસ ઘટે એ માટે બાળકની સાથે માના શરીરે પણ મસાજ કરાવવાનું રાખવું.

બીજું, દૂધ પીવડાવતી વખતનું વાતાવરણ અને માની માનસિકતા બાળકને અસર કરે છે, ઉદ્વિગ્ન મને, કશાકની ચિંતામાં, નકારાત્મક વિચારો કે વાતો કરતાં-કરતાં બાળકને સ્તનપાન કરાવવું ઠીક નથી. સ્તનપાન કરાવતી વખતે શાંત વાતાવરણ હોય, માનું મન શાંત હોય અને બાળક સાથે તાદાત્મ્ય અનુભવાતું હોય તો એ દૂધ માત્ર શારીરિક-માનસિક વિકાસ જ નથી કરતું, પણ મા-સંતાનને લાગણીના અતૂટ બંધનથી બાંધવાનું કામ કરે છે.