આવું સિંહ જેવું વ્યક્તિત્વ હતું કેશુ બાપા નું ભલભલાનું પાણી ઉતારી દેતાં,15ની વયે અનાજ દળવાની ઘંટી ચલાવતા અને 67 વર્ષે બન્યા મુખ્યમંત્રી..

0
397

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું 92 વર્ષની વયે નિધન થયું છે.તેમને હાર્ટ અટેક આવતાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે. કેશુભાઈ પટેલને ફેફસા અને હૃદયની બીમારીના પગલે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.થોડા સમય પહેલા તેઓ કોરોનાગ્રસ્ત પણ થયા હતા.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના નિધનને લઈને દુઃખ વ્યક્ત કર્યો છે. તેમણે કેશુબાને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, તેમના નિધનથી ગુજરાતને મોટી ખોટ પડી છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કેશુબાપાના નિધન પર શોક વ્યક્ત કર્યો. પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણીએ કેશુભાઈ પેટલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કેશુભાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

કેશુભાઈ પટેલના પાર્થિવદેહના અગ્નિસંસ્કાર ક્યાં કરાશે તે થોડીવાર બાદ નક્કી કરાશે.બાપા તરીકે જાણીતા કેશુભાઈનો જન્મ 24 જુલાઈ 1928ના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં થયો હતો.કેશુભાઈએ જાહેર અને રાજકીય જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે.

માત્ર એટલું નહીં તેમણે અમદાવાદના ડોન લતિફના તેના હોમગ્રાઉન્ડ એવી પોપટીયાવાડમાં જઈ પડકાર્યો હતો. કેશુભાઈએ અનાજ દળવાની ઘંટી ચલાવવાથી લઈ મુખ્યમંત્રી પદે પહોંચવા સુધી ખૂબ સંઘર્ષ વેઠ્યો છે. વર્ષ 1943માં નિર્માણ પામેલા મચ્છુ 1 ડેમના ચણતરકામ દરમિયાન માત્ર 15 વર્ષીય કેશુભાઇ પટેલ ત્યાં અનાજ દળવાની ઘંટી ચલાવતા હતા.જ્યારે અંગત જીવનમાં પણ તેઓને આઘાત પચાવી ગયા છે. પહેલા પત્ની અને છેલ્લા ત્રણ વર્ષમાં બે દીકરા પણ ગુમાવ્યા છે.લતિફના ગઢ એવી પોપટીયાવાડ પોલીસ પણ દરોડા પાડી શક્તી નહોતી અને બિનમુસ્લિમ તે વિસ્તારમાં પ્રવેશવાની હિંમત કરતા નહોતા.

પરંતુ લોકોના મનમાંથી લતીફનો ડર દૂર કરવા ભાજપે પોપટિયાવાડમાં જ લોકદરબાર યોજવાનું નક્કી કર્યું હતું. કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓને વિશ્વાસમાં લઈને ભાજપે કેશુભાઈની હાજરીમાં પોપટિયાવાડમાં લોકદરબાર યોજ્યો અને તેને ખૂબ સફળતા મળી હતી.અહીંથી ભાજપને ચૂંટણીનો મુદ્દો મળ્યો અને 1995ની ચૂંટણીઓ લતિફને ગુંડાગીરી અને આતંકનો એક ચહેરો બનાવી ભાજપે કોંગ્રેસ સામે આક્રમક પ્રચાર કર્યો હતો.1990માં ભાજપે ચીમનભાઈ પટેલના પક્ષ જનતા દળ સાથે સમજૂતી કરી હતી.

ચીમનભાઈના પક્ષને ભાજપ કરતાં માત્ર 3 જ બેઠકો વધારે મળતાં તેઓ મુખ્યમંત્રી બન્યા અને કેશુભાઈ પટેલ ભાજપ-જનતા દળની સંયુક્ત સરકારમાં નંબર-2 બન્યા હતા. પરંતુ ભાજપે 1995ની ચૂંટણીઓમાં કોઈ પક્ષ સાથે બેઠકોની સમજૂતી કરી નહીં અને કેશુભાઈના નેતૃત્વમાં એકલે હાથે ભાજપને 121 બેઠકો સાથે જંગી બહુમતી મળી હતી.

કેશુભાઈ પટેલ 1945માં 17ની વયે રાષ્ટ્રીય સ્વયસેવક સંઘમાં પ્રચારક તરીકે જોડાયા હતા. ત્યાર બાદ વર્ષ 1960માં તેઓ જનસંઘમાં કાર્યકર તરીકે જોડાઈને રાજકીય કરિયરની શરૂઆત કરી હતી. તેમજ કટોકટી કાળ દરમિયાન જેલવાસ ભોગવ્યો હતો.કેશુભાઈ 1977માં રાજકોટથી લોકસભા ચૂંટણી લડ્યાં.ત્યાર બાદ તેમણે 1978થી 1980 દરમિયાન બાબુભાઈ પટેલની જનતા મોરચાની સરકારમાં કૃષિમંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી. વર્ષ 1978થી 1995 દરમ્યાન બાપા કાલાવડ, ગોંડલ અને વિસાવદર સીટ પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા.

આ દરમિયાન વર્ષ 1980માં જનસંઘનું વિલીનીકરણ થતા તેઓ નવી બનેલી બીજેપીમાં વરિષ્ઠ આયોજકની ભૂમિકામાં ઉભરી આવ્યા. કેશુભાઈએ કોંગ્રેસ સામે ચૂંટણી પ્રચારની જવાબદારી લીધી અને પરિણામે 1995માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને શાનદાર જીત અપાવી.કેશુભાઈ માર્ચ-1995માં ગુજરાતનાં 10માં મુખ્યમંત્રી બન્યા.

પરંતુ કેશુભાઈનાં તે સમયના સાથી અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બળવો કરતા કેશુભાઈએ 8 મહિનામાં રાજીનામું આપવાની ફરજ પડી હતી.ત્યાર બાદ 1998માં ફરી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની અને તેઓ મુખ્યમંત્રી બન્યા.

ત્યાર બાદ 26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં ભૂકંપ આવ્યો અને ઓક્ટોબર 2001માં સત્તાના દુરુપયોગ, ભ્રષ્ટાચાર અને ભૂકંપમાં નબળી રાહત કામગીરીના આરોપ બદલ કેશુભાઈએ રાજીનામું આપી દીધું.કેશુભાઈના રાજીનામાને પગલે ભાજપ હાઈકમાન્ડે કેશુભાઈના સ્થાને નરેન્દ્ર મોદીને મુખ્યપ્રધાન બનાવ્યા હતા.

2002માં તેઓ વિધાનસભા ચૂંટણી ન લડ્યાં અને રાજ્યસભા સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાયા. ત્યાર બાદ ભાજપમાંથી રાજીનામુ આપી કેશુભાઈએ ઓગસ્ટ 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટી(GPP)ની સ્થાપના કરી અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેઓએ વિસાવદર બેઠક પરથી જીત મેળવી.

જો કે માત્ર બે વર્ષના સમયગાળામાં તેઓએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું. ત્યાર બાદ વર્ષ 2014ની શરૂઆતમા જ GPPના અધ્યક્ષ પદેથી પણ રાજીનામું આપી રાજકીય સંન્યાસ લીધો.જોકે હાલ તેઓ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે.કેશુભાઈના અંગત જીવનની વાત કરીએ તો તેમણે લીલાબહેન સાથે લગ્ન કર્યા હતા.

લગ્ન જીવન દરમિયાન તેઓ પાંચ પુત્ર અને એક પુત્રીના પિતા બન્યા હતા.કેશુભાઈનાં પત્ની લીલાબેન પટેલ તેઓના ગાંધીનગર ખાતેના ઘરમાં એક્સરસાઈઝ રૂમમાં શોર્ટ સર્કિટ થતા વર્ષ 2006માં મૃત્યુ પામ્યા હતા.જ્યારે 2017માં પુત્ર પ્રવીણ પટેલનું નિધન થઈ ગયું હતું. જ્યારે 2018માં ઓશો સંન્યાસી બની ગયા તેમની બીજા દીકરા જગદીશ પટેલનું હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું.આજે પણ તેઓ આપણા બધાના હૃદય વચ્ચે રહી ગયાં છે બાપા નું વ્યક્તિત્વ ખુબજ સારું અને સિંહ જેવું કહી શકાય તેવું હતું…