ચાર મહિનાથી પ્રયત્ન કરીએ છીએ પણ ગર્ભધારણ થતો નથી, તો શું કરવું?

0
2213

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૨૪ વર્ષ છે, જ્યારે મારા પ્રેમીની ઉંમર ૨૩ વર્ષ છે. તે મારાથી એક વર્ષ નાનો છે. અમે એકબીજા સાથે લગ્ન કરવા માંગીએ છીએ, પણ અમારી જ્ઞાતિ અલગ હોવાથી છોકરાના પરિવારના સભ્યો માનતા નથી.

મારાં માતા-પિતા આ વાત માટે તૈયાર છે, તેઓ મને કહે છે કે હું અલગ જ્ઞાતિમાં લગ્ન કરું તો તેમને કોઇ તકલીફ નથી પણ છોકરાના પિતા અને પરિવાર આ વાત માટે તૈયાર નથી. છોકરાએ તેના ઘરે મનાવવાના ઘણાં પ્રયત્ન કર્યા છે, પરંતુ તેના પિતા હ્ય્દયરોગના દર્દી હોવાને કારણે એક લિમિટથી વધારે મનાવી શકાય તેમ પણ નથી. અમારે એકબીજા સાથે જ લગ્ન કરવાં છે. મને જણાવશો કે અમારે શું કરવું જોઇએ.

જવાબ : જો તમે બંને એકબીજા સાથે જ લગ્ન કરવાં માંગતાં હોવ તો તમે છોકરાની માતાને સમજાવો અને તેમને જણાવો કે તમે પરિવાર વિશે વિચારો છો, એટલે જ કોઇ આડુંઅવળું પગલું લેવા નથી માંગતાં અને પરિવારની મરજીથી જ લગ્ન કરવા માંગીએ છીએ. છોકરાની માતાને એમ પણ સમજાવો કે પરાણે ન ગમતી કોઇ વ્યક્તિ સાથે લગ્ન કરીને આખું જીવન દુઃખી થવાને બદલે સાચું એ જ છે કે ગમતી વ્યક્તિ સાથે જ લગ્ન કરી આપે.

અને તેમ પણ જણાવો કે છોકરાને તેના પિતાની ચિંતા છે એટલે જ કોઇ ખોટું પગલું નથી ભરતો અને શાંતિથી તેમને મનાવવાનો પ્રયત્ન કરે છે. જરૂર પડે છોકરાના પિતાની નજીકની કોઇ વ્યક્તિની સહાય લો કે જે તેમને મનાવી શકે. અહીં ખોટું પગલું ભરવાને બદલે સમજાવટથી જ વાત પતાવવી જોઈએ.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૨૦ વર્ષ છે. મારે માસિક ઘણું જ અનિયમિત છે. આ માટે મેં ડોક્ટરને બતાવીને દવા પણ શરૂ કરી હતી. ૬ મહિના મેં દવા લીધી ત્યારે માસિક નિયમિત આવ્યું અને જેવી દવા બંધ કરી કે તરત અનિયમિત થઇ ગયું. હાલ તે ત્રણ મહિનાના અંતરે આવે છે. તમે જણાવશો કે આ વિશે મારે આગળ શું કરવું જોઇએ ?

જવાબ : પહેલો પ્રશ્ન તો તમને એ પૂછવા માંગું છું કે શું તમે જે ડોક્ટર પાસેથી દવા લેતાં હતાં તેમણે તમને દવા બંધ કરવા જણાવ્યું હતું? દવા બંધ કરવી એ તમારો પોતાનો નિર્ણય હતો કે ડોક્ટરની સલાહ હતી? કારણ કે મોટાભાગની સ્ત્રીઓ કે જેમને આ તકલીફ હોય તેઓ દવા શરૂ કરે અને માસિક જેવું નિયમિત થાય કે તરત દવા લેવાનું સ્વેચ્છાએ બંધ કરી દે છે.

તેઓ આખો કોર્સ પૂરો નથી કરતા. જો તમે એવું કર્યું હોય તો તમારે ડોક્ટરની સલાહ લઇને ફરીથી દવા શરૂ કરી દેવી જોઇએ. બીજી વાત કે આ તકલીફ અંગે ડોક્ટરને બતાવવા જાવ ત્યારે જાણી લો કે આવું કયા કારણસર થયું.

જો તમે શરીરે નબળા હોવ તો પણ આવું થવું શક્ય છે. આની પાછળ ઘણાં કારણો જવાબદાર હોય છે, તેથી શારીરિક તપાસ કરાવડાવીને સચોટ કારણ મેળવવું જરૂરી છે.

પ્રશ્ન : નમસ્તે સર, અમારાં લગ્નને એક વર્ષ થયું છે, હવે અમે સંતાન માટે પ્રયત્નો શરૂ કર્યા છે. છેલ્લા ચાર મહિનાથી હું અને મારા પતિ નિરોધ વગર સેક્સ કરીએ છીએ, પણ હજી મને બાળક નથી રહ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે મને કે મારા પતિને કોઇ જ વ્યસન નથી કે મોટો કોઇ રોગ પણ નથી.

મેં સાંભળ્યું છે કે વધારે પડતી લાગણીશીલ વ્યક્તિને બાળક રહેવામાં તકલીફ થતી હોય છે. શું આ વાત સાચી છે? મારે જાણવું છે કે અમારે કેટલી રાહ જોવી જોઇએ? કે હવે ડોક્ટરને બતાવી દેવું જોઇએ? મને અનેક સવાલ મનમાં ઉદ્ભવે છે.

જવાબ : બહેન, તમે જણાવ્યું નથી કે તમારી અને તમારા પતિની ઉંમર શું છે. ઘણીવાર ઉંમર પણ ગર્ભ ન રહેવાનું કારણ હોય છે. ઘણીવાર સ્વભાવ પણ ગર્ભ ન રહેવા પાછળ જવાબદાર હોઇ શકે. જો તમારું વજન વધારે પડતું કે સાવ ઓછું હોય તો પણ આમ થઇ શકે છે.

અને જરૂરી નથી કે પ્રયત્ન શરૂ કરો કે તરત ગર્ભ રહી જાય, કોઇને ગર્ભ રહેવામાં સાત, આઠ કે તેથી વધુ સમય પણ નીકળી જતો હોય છે. જો તમારી ઉંમર વધારે હોય કે વજન પણ વધારે પડતું હોય તો તમારે ચોક્કસ તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઇએ.

બાકી જો તમારી ઉંમર માપસર હોય અને બોડીવેઇટ પણ સપ્રમાણ હોય તો હજી થોડો સમય રાહ જોઇ શકો છો. એક સલાહ હું તમને એ પણ આપીશ કે સાંભળેલી વાત પર બહુ વિશ્વાસ ન કરવો. લોકોએ જ્યાં-ત્યાંથી મેળવેલું જ્ઞાન કે ઈન્ટરનેટની ગમે તે વેબસાઈટનું જ્ઞાન સાચું નથી હોતું. દરેક સ્ત્રીને એવું જ લાગતું હોય કે તેઓ લાગણીશીલ છે, અને ખરેખર સ્ત્રી લાગણીશીલ જ હોય.

જો લાગણીશીલ સ્ત્રી જક્કી સ્વભાવની હોય તો ગર્ભ રહેવામાં અડચણ થઈ શકે. વધારે પડતું ટેન્શન લેતાં હોવ તો પણ આ તકલીફ થઇ શકે. તમે માસિક પૂરું થાય એટલે તરતના પંદર દિવસ દરમિયાન એકાંતરે સેક્સ કરો, આ સમયે ગર્ભ રહેવાની શક્યતા સૌથી વધુ હોય છે. જો તમારી ઉંમર વધારે ન હોય તો હજી બેત્રણ વર્ષ રાહ જોઇ શકાય.